ઇન્ડિગો એરલાઇન્સના કર્મચારીઓ પર સંકટનાં વાદળો ઘેરાયાં

બેંગલુરુઃ ઇન્ડિગો એરલાઇન્સના કર્મચારીઓ પર ફરી સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે કંપનીએ વગર પગારે કર્મચારીઓને રજા પર મોકલવાનો પ્રારંભ કરી દીધો છે. પાઇલટને એક જૂનથી આગામી ત્રણ મહિના માટે મહિનામાં ત્રણ દિવસની ફરજિયાત રજા પર મોકલવામાં આવશે. ગયા વર્ષે લોકડાઉનમાં પણ વગર પગારે 10 દિવસોની રજા પર મોકલવામાં આવ્યા હતા. આ વખતે બધા કર્મચારીઓના જોબ પ્રોફાઇલને આધારે 1.5થી ચાર દિવસો માટે વગર પગારે રજા પર મોકલવાની તૈયારી છે.  

ભારતમાં કોરોનાનો કહેર છે. જેથી દેશના એવિયેશન ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. એની અસર દિગ્ગજ એરલાઇન કંપની ઇન્ડિગો પર પણ પડી છે. ગયા વર્ષે લોકડાઉનમાં કંપનીએ 10 ટકા કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. મે પછી ઇન્ડિગોએ કંપનીના વરિષ્ઠ કર્મચારીઓને વેતનમાં 35 ટકાનો કાપ મૂક્યો હતો.

ગયા મહિને ઇન્ડિયોની સહાયક કંપની એઝાઇલ એરપોર્ટ સર્વિસિસના કર્મચારીઓના એક જૂથે હડતાળ કરી હતી. કર્મચારીઓએ પગારવધારની માગ કરી હતી. કર્મચારીઓએ ગોવામાં હડતાળ કરી હતી, જેનાથી ફ્લાઇટ્સ સેવાને અસર થઈ હતી.