દેશનો GDP ગ્રોથ સાત ત્રિમાસિકના નીચલા સ્તરે

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિકમાં દેશના GDP ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નેશનલ સ્ટેસેસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી આંકડા અનુસાર GDP ગ્રોથ 5.4 ટકા પર આવી ગયો છે. જે સાત ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછો નોંધાયો છે. આ પહેલાં જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ 6.7 ટકા નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં GDP ગ્રોથ 8.1 ટકા નોંધાયો હતો.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વપરાશમાં થયેલા ઘટાડાને કારણે અને અનેક ક્ષેત્રો પર પડેલી મોસમની પ્રતિકૂળ અસર GDP પર જોવા મળી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GVA 5.6 ટકાએ આવી ગયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં GVA 7.7 ટકા હતા. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં GVA વૃદ્ધિ 6.9 ટકા  હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે GDP વૃદ્ધિ ધીમી પડી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે આજે 29 નવેમ્બરે GDP ડેટા જાહેર કર્યો.

તાજા ડેટા અનુસાર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં માઇનિંગ ગ્રોથ સાત ટકા ઘટીને 2.2એ આવી ગયો હતો, જે ગયા વર્ષે 11.1 ટકા હતો. આ સાથે બીજા ત્રિમાસિકમાં કૃષિ ક્ષેત્રનો GDP વધી 3.5 ટકા નોંધાયો છે. જે એક વર્ષ પહેલાં 1.7 ટકા હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો GDP બીજા ત્રિમાસિકમાં ઘટી 2.2 ટકા થયો છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 14.3 ટકા હતો.

બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર નબળું પડતાં GDP ગ્રોથ પણ ઘટ્યો છે. જેને ધ્યાનમાં લેતાં અર્થશાસ્ત્રીઓએ આગામી મોનિટરી પોલિસીમાં પણ RBI વ્યાજના દર જાળવી રાખે તેવી ભીતિ વ્યક્ત કરી છે.