અર્થતંત્ર પર કોરોનાની બીજી લહેર ઓછી ઘાતકઃ RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા દરમ્યાન થયેલી ચર્ચામાં મોનિટરી પોલિસીની સમિતિના એક સભ્યે એ વાત માની હતી કે કોરોના રોગચાળાની બીજી લહેર પહેલીના મુકાબલે આર્થિક મોરચે ઘાતક રહી છે. જોકે રોગચાળાના સ્વરૂપને જોતાં આવનારા દિવસોમાં આર્થિક સ્થિતિનું આકલન વિશ્વાસપાત્ર નથી રહેતું, એમ તેમણે કહ્યું હતું.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદના પ્રોફેસર જયંત આર. વર્માએ બીજીથી ચોથી જૂનની વચ્ચે થયેલી બેઠક દરમ્યાન કહ્યું હતું કે આર્થિક રિકવરી 2021ના પ્રારંભના મહિનાઓમાં દેખાઈ હતી, એ કોરોનાની બીજી લહેરની ચપેટમાં આવી ગઈ હતી.  જોકે એની આર્થિક અસર ઓછી ભયાનક હતી. એની પાછળ તેમણે એ તર્ક આપ્યો હતો કે જે હિસાબે બીજી લહેર એના ચરમ પરથી નીચે આવી છે, એ અપેક્ષા છે કે અહીંથી જલદી આર્થિક સ્થિતિ સુધરશે. આવનારા દિવસોમાં બચત પર વધુ ધ્યાન આપીશું. તેમણે એ પણ કહ્યું હતું કે બચત વધવાથી માગ પર આગામી કેટલા ત્રિમાસિક સુધી અસર જોવા મળે એવી શક્યતા છે.

રિઝર્વ બેન્કે દ્વારા જારી કરવામાં આવેલી ધિરાણ નીતિની સમીક્ષાની મિનિટ્સમાં આ વખતે ઇશારો કરવામાં આવ્યો હતો કે આગામી કેટલાક મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતેથી મોંઘવારી વધવાની આશંકા છે. ક્રૂડની કિંમતો વધવાથી લોજિસ્ટિક કોસ્ટ પણ વધશે, જેનાથી મોંઘવારી વધવાની ધારણા છે, એમ બેન્કે આઉટલુકમાં જણાવ્યું હતું.

બેન્કે એ સૂચન પણ કર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લગાવવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી, સેસની સાથે અન્ય ટેક્સો વચ્ચે તાલમેલ એ રીતે બેસાડવો જોઈએ કે પેટ્રોલ અને ડીઝલ પરની પડતકર પર દબાણ ઓછું થઈ શકે. બેન્કે આશા વ્યક્ત કરી હતી કે મોન્સુન સામાન્ય છે તો અનાજ પર પહેલાંથી કિંમતો પરનું દબાણ ઘટાડવું જોઈએ. એ સાથે બજારમાં સપ્લાયમાં આવતી અડચણોને દૂર કરવી જોઈએ.