જેટ એરવેઝના પુનરોદ્ધાર માટે કેલરોક-જાલન યોજનાને મંજૂરી

મુંબઈઃ દેવાળું ફૂંકનાર જેટ એરવેઝનો પુનરોદ્ધાર કરવામાં બહુ પ્રતીક્ષિત સફળતા મળી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ નાદાર થઈ ગયેલી એરલાઈન માટે લંડનસ્થિત કેલરોક કેપિટલ અને યૂએઈ સ્થિત ઉદ્યોગપતિ મુરારીલાલ જાલનના કોન્સોર્ટિયમે રજૂ કરેલા રિઝોલ્યૂશન (સમાધાન) પ્લાનને મંજૂર રાખ્યો છે. NCLTની મુંબઈ બેન્ચે આજે જાહેર કરેલા તેના ચુકાદામાં દેશની એવિએશન રેગ્યૂલેટર ડીજીસીએ અને કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયને જેટ એરવેઝ માટે સ્લોટ ફાળવવા 90 દિવસનો સમય આપ્યો છે.

NCLT દ્વારા જણાવાયું છે કે જો 90 દિવસની અંદર જેટ એરવેઝને સ્લોટની ફાળવણીનું કામ પૂરું કરી શકાય એમ ન હોય તો રિઝોલ્યુશન સમયગાળામાં વધારો કરાવવા ટ્રિબ્યુનલનો સંપર્ક કરી શકાશે. જેટ એરવેઝના રિઝોલ્યુશન પ્રોફેશનલે ગયા નવેમ્બરમાં NCLTને કેલરોક કેપિટલ અને મુરારી જાલને આપેલો રિઝોલ્યુશન પ્લાન સુપરત કર્યો હતો. જેટ એરવેઝને માથે રૂ. 8000 કરોડનું દેવું છે. કેલરોક-જાલન કન્સોર્ટિયમે આવતા પાંચ વર્ષમાં ભારતની બેન્કો, નાણાંસંસ્થાઓ તથા કર્મચારીઓને રૂ. 1200 કરોડની ચૂકવણી કરી દેવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેટ એરવેઝને 30 વિમાન સાથે સંપૂર્ણ સેવા પૂરી પાડનાર એરલાઈન તરીકે સ્થાપિત કરવાની એમની યોજના છે.