ખાનગીકરણ-માટે સેન્ટ્રલ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કની પસંદગી

નવી દિલ્હીઃ ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યૂલેશન્સ એક્ટ અને બેન્કિંગ લૉ એક્ટમાં સુધારાના ભાગરૂપે ખાનગીકરણ કરવા માટે જાહેર ક્ષેત્રની બે બેન્કને ઓળખી કાઢી છે – સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક. આ નિર્ણયનો અમલ સંસદના આગામી ચોમાસું સત્ર વખતે કરવામાં આવે એવી ધારણા રખાય છે.

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ-2021માં જાહેર કર્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22માં જાહેર ક્ષેત્રની બે બેન્કનું ખાનગીકરણ કરવામાં આવશે. ‘આત્મનિર્ભર ભારત’ સંકલ્પ માટે જાહેર ક્ષેત્ર એન્ટરપ્રાઈઝ નીતિમાં ફેરફારના ભાગરૂપે સરકારી એજન્સી નીતિ આયોગને કામગીરી સોંપાઈ હતી કે તે ખાનગીકરણ અથવા જાહેર ક્ષેત્રના અન્ય એકમો સાથે વિલિનીકરણ કે પેટા-કંપની બનાવી શકાય એ માટે જાહેર ક્ષેત્રના એકમોને ઓળખી કાઢે. નીતિ આયોગે ડિસઈન્વેસ્ટમેન્ટ અંગેના કોર ગ્રુપ ઓફ સેક્રેટરીઝને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કનું ખાનગીકરણ કરવું જોઈએ. હવે કેબિનેટ સેક્રેટરીની આગેવાની હેઠળનું કોર ગ્રુપ આ નિર્ણયને મંજૂરી આપે ત્યારબાદ એ નિર્ણયને મંજૂરી માટે (ઓલ્ટરનેટિવ મિકેનિઝમ) મોકલવામાં આવશે. આખરી નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ લેશે. સીતારામને બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ખાનગીકરણ કરાનાર બેન્કોના કર્મચારીઓનાં હિતોનું સંપૂર્ણપણે રક્ષણ કરવામાં આવશે.