કંપનીઓ દેવાળું ફૂંકશે, ભારતને ફરી સ્વસ્થ થતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ (HDFC)

મુંબઈઃ એચડીએફસી બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર દીપક પારેખે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે કોરોના વાઈરસ જાગતિક રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક કટોકટી 2008ની જાગતિક આર્થિક મંદી કરતાં સાવ જ જુદી હશે.

પારેખે કહ્યું છે કે ભારતના અર્થતંત્રને આ કટોકટીમાંથી ફરી બેઠા થતાં 9 મહિના જેટલો સમય લાગશે.

એક વેબીનારને સંબોધિત કરતાં પારેખે કહ્યું હતું કે ભારતમાં રિયલ એસ્ટેટના ભાવ ઓછામાં ઓછા 20 ટકા ઘટી જશે, જેને કારણે ઘણી કંપનીઓ દેવાળું ફૂંકશે.

પારેખે કહ્યું હતું કે જમીનની ખરીદ-વેચાણનો મામલો રાજ્યોનો છે. રિયલ એસ્ટેટના ભાવ ઓછામાં ઓછા 20 ટકા ઘટી જશે. ઊંચા ભાવે જમીન ખરીદનાર ડેવલપર્સના પ્રોજેક્ટોને માઠી અસર પડશે. ઘણી કંપનીઓ દેવાળું ફૂંકશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પરિસ્થિતિ રાબેતા મુજબ થતાં 8-9 મહિના લાગશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસે દુનિયાભરમાં એક લાખથી વધારે લોકોનો ભોગ લીધો છે. ભારતમાં 250થી વધારે લોકો માર્યા ગયા છે અને દેશમાં 8 હજારથી વધારે કેસો નોંધાયા છે. દેશમાં હાલ 21-દિવસનું લોકડાઉન છે જે 14 એપ્રિલ બાદ ઓછામાં ઓછા બે અઠવાડિયા લંબાય એવી પૂરી શક્યતા છે.

દીપક પારેખે કહ્યું કે સરકારે ગરીબોને મદદ કરવી જોઈએ, કારણ કે એમને સૌથી વધારે માઠી અસર પડી છે અને એમને સ્વસ્થ થતાં સૌથી વધારે સમય લાગશે. સરકાર આવતા અઠવાડિયે એક નવું આર્થિક પેકેજ જાહેર કરે એવી મારી ધારણા છે. સરકારે જટિલ કરવેરા નિયમોને પડતા મૂકી દેવા જોઈએ.

પારેખે એમ પણ કહ્યું કે કર્મચારીઓને કામ પર પાછા લાવવા માટે તમારે એમનો પગાર વધારવો પડશે, એમને સવલતો આપવી પડશે… એમને કામ પર પાછા લાવવા એ મોટી સમસ્યા હશે… મેનેજમેન્ટોએ કર્મચારીઓને એમની જિંદગી અને બે ટંક ભોજનની ખાતરી આપવી પડશે અને જરૂર લાગે ત્યાં એમના રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે. એ તમારી સૌથી મોટી પ્રાથમિકતા બનશે.

પારેખે કહ્યું કે, કેશ ફ્લો પાછો શરૂ થાય એ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. મેનેજમેન્ટોએ કરકસર કરવી પડશે, પગારો ઘટાડવા પડશે, જરૂરી લાગે તો સ્ટાફનું કદ ઘટાડવું પડશે.