ચીનનું નાપાક નિવેદનઃ અમારા સામાનનો જ ભારતે ઉપયોગ કરવો પડશે

નવી દિલ્હીઃ તાજેતરમાં જ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચોથી વાર મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા પર વીટોનો ઉપયોગ કરવા અને એક લાંબા સમયથી પાકિસ્તાનની તમામ પ્રકારની મદદ કરવા પર ભારતવાસીઓનો ચીન પ્રત્યેનો ગુસ્સો પ્રગટ કરવા માટે દેશના વ્યાપારીઓના સૌથી મોટા સંગઠન કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના આહવાન પર આજે દિલ્હી સહિત દેશભરના વિભિન્ન રાજ્યોમાં વ્યાપારી સંગઠનોએ 1500 થી વધારે સ્થાનો પર ચીની વસ્તુઓની હોળી પ્રગટાવી અને ચીનમાં બનેલા સામાનનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે ચીનીની પ્રોડક્ટના બાયકોટની ઉઠી રહેલી માંગણી વચ્ચે પાડોશી દેશ ચીનની મીડિયાએ ભારતને પડકાર આપતા નિવેદન આપ્યું છે.

ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે ભારતીય મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી અત્યારે અવિકસિત છે અને આમાં પ્રતિદ્વંદ્વિતાની ક્ષમતા નથી. અને આ જ કારણ છે કે ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સને બાયકોટ કરવાની ઝુંબેશ અસફળ રહી છે. સોમવારના રોજ ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક બ્લોગમાં કહેવામાં આવ્યું કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસને યૂએનમાં ચીન દ્વારા રોકવામાં આવ્યા બાદ, ભારતીય વિશ્લેષક મેડ ઈન ચાઈના પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ કરી રહ્યા છે. પરંતુ આટલા વર્ષોમાં ભારતનો બાયકોટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. અને આનું કારણ એ છે કે ભારત પોતે પ્રોડક્ટ્સનું ઉત્પાદન નથી કરી શકતું.

લેખમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તેઓ પસંદ કરે કે ન કરે, પરંતુ ચીનમાં બનેલા સામાનોનો ઉપયોગ જ તેમણે કરવો પડશે કારણ કે અત્યારે પણ મોટા પાયે ઉત્પાદન કરવામાં ભારતની ક્ષમતા ઓછી છે. આ સાથે જ ચીનના સમાચાર પત્રએ કહ્યું કે જો આવનારી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો રાષ્ટ્રવાદને આગળ ધરીને લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે ચીનનો ડર દેખાડશે તો તે ખતરનાક સાબિત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]