ભારત દ્વારા ઉચિત-વ્યાપાર સિદ્ધાંતોનો ભંગઃ ચીનનો આરોપ

નવી દિલ્હીઃ વિડિયો શેરિંગ એપ્લિકેશન ટીકટોક, વીચેટ અને યૂસી બ્રાઉઝર સહિત કુલ 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખવાનો ભારત સરકારે નિર્ણય લીધો હોવાના અહેવાલો બાદ ચીને કહ્યું છે કે રાષ્ટ્રીય સલામતીના બહાના હેઠળ ભારતનું આ પગલું વિશ્વ વ્યાપાર સંસ્થા (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન-WTO)એ ઘડેલા સિદ્ધાંતો અને ઉચિત કે નિષ્પક્ષ વ્યાપારના ઉલ્લંઘન સમાન છે.

અનુકૂળતા અને ગોપનીયતા જેવા મુદ્દાઓ પર એપ્સ ડેવલપર ચાઈનીઝ કંપનીઓ પાસેથી મળેલા જવાબોની સમીક્ષા કર્યા બાદ 59 ચાઈનીઝ એપ્સ પરનો પ્રતિબંધ જાળવી રાખવા ભારત સરકાર વિચાર કરી રહી છે. ચીનની ભારતસ્થિત દૂતાવાસના પ્રવક્તા જી રોન્ગનો આરોપ છે કે ભારતનાં પગલાં WTOએ ઘડેલા નિષ્પક્ષ વ્યાપારી સિદ્ધાંતો અને માર્કેટ ઈકોનોમીના ઉચિત વ્યાપારી સ્પર્ધાના સિદ્ધાંતોના ઉલ્લંઘન સમાન છે જે ચીનની કંપનીઓના કાયદેસર અધિકારો અને હિતોને ગંભીરપણે નુકસાનકર્તા છે.