ન્યુ યોર્કઃ સોશિયલ મિડિયામાં ટ્વિટરને ખરીદીને ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી શ્રીમંત બિઝનેસમેન અને ટેસ્લાના સ્થાપક અને CEO એલન મસ્ક ફરી એક વાર ચર્ચામાં છે. તેમણે ટવિટર હેન્ડલ પર લખ્યું છે કે કેઝ્યુઅલ યુઝર્સ માટે ટ્વિટર હંમેશાં ફ્રી રહેશે, પણ કોમર્શિયલ અને સરકારી યુઝર્સે કદાચ ફી ચૂકવવાની રહેશે. તેમણે ટ્વિટરના ખરીદતા પહેલાં જ સ્પષ્ટતા કરી હતી કે ભવિષ્યમાં હવે ટ્વિટરના ઉપયોગ કરવાવાળા યુઝર્સે ચાર્જ ચૂકવવો પડશે. મસ્ક ટ્વિટર ખરીદ્યા પછી મેનેજમેન્ટમાં ધરખમ ફેરફાર કરે એવી શક્યતા છે. તેમણે સંકેત આપ્યો હતો કે ટ્વિટર બ્લુ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સર્વિસમાં પણ થોડા ફેરફાર થશે અને એની સબસ્ક્રિપ્શનમાં ઘટાડો કરાશે.
મસ્ક ટ્વિટર ખરીદ્યા પછી હાલના CEO પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજ્યા ગાડ્ડેને બહારનો દરવાજો બતાવે એવી શક્યતા પણ છે. જોકે તેમને હાંકી કઢાશે એ વાતની પુષ્ટિ નથી થઈ. ખાસ્સી કશ્મકશ પછી મસ્ક અને ટ્વિટર વચ્ચે સોદો થયો હતો અને ટેસ્લાના CEO આ માઇક્રો બ્લોગિંગ સાઇટ ખરીદવામાં સફળ રહ્યા હતા. તેમણે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી છે.
Ultimately, the downfall of the Freemasons was giving away their stonecutting services for nothing
— Elon Musk (@elonmusk) May 3, 2022
મસ્કે હાલમાં ટ્વિટરમાં નવાં ફીચર્સ ઉમેરવાની વાત કરી હતી. એક ટ્વિટ કરતાં તેમણે લખ્યું હતું કે તેઓ નવાં ફીચર્સ, ઓપન સોર્સ એલ્ગોરિધમની સાથે ટ્વિટરને પહેલાંથી વધુ સારી પ્રોડક્ટ બનાવવા ઇચ્છે છે. તેઓ કંપનીની સાથે કામ કરવા ઉત્સુક છે.