ICICI બેન્કમાંથી ચંદા કોચરનું રાજીનામું, સંદીપ બક્ષી સંભાળશે કમાન

નવી દિલ્હી- આઇસીઆઇસીઆઇ બેન્કના MD અને ચેરમેન ચંદા કોચરે તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બોર્ડે તેમના કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં તેમની રાજીનામાની અરજી સ્વીકારી લીધી છે. સાથે જ આઈસીઆઈસીઆઈ બેંકના નવા મેનેજીંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે સંદીપ બક્ષીની નિમણૂક કરવામાં આવી છે. સંદીપ બક્ષીનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે, જે 3 ઓક્ટોબર 2023ના રોજ પૂર્ણ થશે.ચંદા કોચર અને તેમના પરિવાર પર લાગ્યા છે આરોપ

આઇસીઆઇસીઆઇ બેન્કના પ્રમુખ ચંદા કોચર અને તેમના પરિવાર પર લાગેલા કથિત અનિયમિતતાના અનેક આરોપો હેઠળ વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. બેન્કે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે, ચંદા કોચરની વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર તેમના રાજીનામાની કોઇ અસર નહીં પડે.

બેન્ક કથિત હિતોના ઘર્ષણ અને ખોટી રીતે લાભ પહોંચાડવાના મામલે સ્વતંત્ર તપાસ કરી રહી છે. ચંદા કોચર અને આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે સંકળાયેલા કેસને SEBI ઉપરાંત આરબીઆઇ અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પણ આ મામલે તપાસ કરી રહી છે. સીબીઆઇએ માર્ચમાં જ ચંદા કોચરના પતિ દીપક કોચર વિરુદ્ધ પ્રારંભિક તપાસ(પીઇ) દાખલ કરી હતી. અપ્રિલમાં કોચરના દિયર રાજીવ કોચર સાથે સઘન પૂછપરછ પણ કરી હતી.

વિવિધ આરોપો હેઠળ ચાલી રહી છે તપાસ

જે મામલે તપાસ ચાલી રહી છે તેમાં વિડિયોકોન ગ્રુપને 2012માં આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી 3250 કરોડ રૂપિયાની લોન અપાવવાનો કેસ પણ સામેલ છે. આ લોન કુલ 40 હજાર કરોડ રૂપિયાનો ભાગ છે જે વિડિયોકોન ગ્રુપે એસબીઆઇના નેતૃત્વ હેઠળની 20 બેન્કો પાસેથી લીધી હતી. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે, તેમણે 2010માં 64 કરોડ રૂપિયા એન્યુ પાવર રીન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ(એનઆરપીએલ)ને આપ્યા હતા. આ કંપનીને વેણુગોપાલ ધૂતે દીપક કોચર અને અન્ય બે નજીકના લોકો સાથે મળીને ઉભી કરી હતી.

ઉલ્લખનીય છે કે, ચંદા કોચરના પતિ દીપક કોચર સહિત તેમના પરિવાના સભ્યોને લોન આપીને નાણાંકીય લાભ પહોંચાડ્યો હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી લોન મળ્યાના 6 મહિના બાદ ધૂતે કંપનીનો વહીવટ દીપક કોચર અને એક ટ્રસ્ટને સોંપી દીધો હતો.