મોંઘવારીમાં જનતાને થોડી રાહત, કેન્દ્ર સરકાર ઈંધણના ભાવમાં ઘટાડો કરશે

નવી દિલ્હી- ઈંધણના ભાવમાં સતત થતાં વધારા પછી કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ આજે દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં અરુણ જેટલીએ સરકાર દ્વારા ઈંધણના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની વાત જણાવી હતી. અને રાજ્ય સરકારને પણ સ્થાનિક વેટમાં ઘટાડો કરવા અપીલ કરી છે. જેથી પટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે રુપિયા 2.50 જેટલો ઘટાડો કરી શકાય.પત્રકાર પરિષદને સંબોધન કરતાં નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે, ઉપરોક્ત પગલાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં રુપિયા 1.50 સુધી ઘટાડવામાં આવશે. તેમજ કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલમાં રુપિયા 2.50 પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવા પ્રયત્ન કરશે. તેમ અરુણ જેટલીએ જણાવ્યું હતું.

નાણાંપ્રધાને જણાવ્યું કે, ગત 4 વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ સૌથી ઉચ્ચ સપાટીએ પહોંચ્યા છે. જેના લીધે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વધુમાં અરુણ જેટલીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કરવો જોઈએ જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકાય.