નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાના ડાઈવેસ્ટમેન્ટની પ્રક્રિયાને આવતા મહિનાના મધ્યભાગ સુધીમાં પૂરી કરવા ધારે છે. તે આવતા મહિને આ રાષ્ટ્રીય એરલાઈન માટે વિજયી બોલી લગાવનારની જાહેરાત કરે એવી ધારણા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિજેતા બોલીની જાહેરાત માટે 15 ઓક્ટોબરની તારીખ કામચલાઉ રીતે નક્કી કરાઈ છે. જ્યારે એર ઈન્ડિયાને ખરીદવા માટે મળેલી નાણાકીય બોલીઓને આ જ અઠવાડિયે ક્યારેક ખોલવામાં આવે એવી ધારણા છે.
એર ઈન્ડિયાને ખરીદવા માટે ટાટા સન્સ કંપની તથા ઉદ્યોગપતિ અજય સિંહે બોલી લગાવી છે. કેન્દ્ર સરકારને ગઈ 15 સપ્ટેમ્બરે અનેક નાણાકીય બોલીઓ મળી હતી. ટાટા સન્સ મુખ્ય દાવેદાર છે, પરંતુ અન્ય તમામ બોલીઓનું વિવિધ માપદંડ અનુસાર મૂલ્યાંકન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની મંજૂરી મળ્યા બાદ વિજેતા બોલીની જાહેરાત કરવામાં આવશે.