બજેટથી શેરબજારમાં તેજીની આગેકૂચઃ ઇન્ડિગોનું ધમાકેદાર લિસ્ટિંગ

અમદાવાદઃ નાણાપ્રધાને રજૂ કરેલા પ્રોત્સાહક બજેટને પગલે સ્થાનિક શેરબજારોમાં તેજીવાળાઓએ શેરોમાં સાર્વત્રિક લેવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સે એક તબક્કે 50,000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ સવારના સેશનમાં 1212ના ઉછાળે 49,820ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સે 356 પોઇન્ટ ઊછળીને 14,637ના મથાળે પહોંચ્યો હતો. જોકે ઓપરેટરોએ ઊંચા મથાળે સાવચેતી રૂપે નફારૂપી વેચવાલી કાઢતાં સેન્સેક્સ અને નિફ્ટી થોડા ઘટ્યા હતા.

બેન્કિંગ શેરોમાં જોરદાર લેવાલીએ બેન્ક નિફ્ટી 34,000ને પાર ટ્રેડ કરતો હતો. બેન્ક, ફાઇનાન્શિયલ સિવાય ઓટો, અને આઇટી શેરોમાં જોરદાર તેજી હતી. એચડીએફસી, એચડીએફસી બેન્ક, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક  એસબીઆઇ અને કોટક બેન્ક ટોપ ગેઇનર્સ હતા.

સોમવારે અમેરિકી શેરબજારમાં પણ તેજી હતી. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 1.61 ટકા મજબૂતી નોંધાવી હતી. નેસ્ડેક પણ અઢી ટકા મજબૂત હતો. એશિયન બજારોમાં પણ મજબૂતાઈ જોવા મળી હતી.

ફર્ટિલાઇઝર કંપનીઓને 31, માર્ચ પહેલાં રૂ. 65,000 કરોડની સબસિડીની ચુકવણી થશે, જેથી ફર્ટિલાઇઝર શેરોમાં તેજી થઈ હતી.

ઇન્ડિગોનું ધમાકેદાર લિસ્ટિંગ

ઇન્ડિગો પેઇન્ટના શેરોનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. ઇન્ડિગોના શેરો 75 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતિં. કંપનીના શેરોની ઇશ્યુ પ્રાઇસ રૂ. 1490 હતી, જેની સામે રૂ. 2607એ લિસ્ટ થયો હતો. કંપનીનો ઇસ્યુ 117 ગણો ભરાયો હતો. કંપનીના શેર હાલ રૂ. 2504ના ભાવે ટ્રેડ કરી રહ્યો છે.