અમદાવાદઃ સરકાર આગામી નાણાકીય વર્ષમાં ફૂડ અને ફર્ટિલાઇઝર સબસિડીમાં મોટો કાપ મૂકે એવી શક્યતા છે. સરકાર પર રાજકોષીય ખાધને ઘટાડવાનું દબાણ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે નાણાકીય ખાધનો 6.4 ટકાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. સરકાર આગામી નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધનું લક્ષ્ય ઘટાડે એવી શક્યતા છે. કોરોના રોગચાળામાં સરકારે લોકોને રાહત આપવા માટે ફૂડ અને ફર્ટિલાઇઝર્સની સબસિડી વધારી હતી. નાણાપ્રધાન આવનારા બજેટમાં સબસિડીમાં ઘટાડાનું એલાન કરે એવી શક્યતા છે.
સરકાર ફૂડ અને ફર્ટિલાઇઝર સબસિડીમાં આગામી નાણાં વર્ષમાં 26 ટકાનો ઘટાડો કરે એવી સંભાવના છે, એમ બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂ. 39.45 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, એમાં ફૂડ અને ફર્ટિલાઇઝર સબસિડીનો હિસ્સો આશરે રૂ. પાંચ લાખ કરોડ છે. જોકે ફૂડ અને ફર્ટિલાઇઝર સબસિડીમાં ઘટાડાનો નિર્ણય 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સરકાર માટે સહાસિક નિર્ણય હશે.
સરકાર આગામી નાણાકીય વર્ષ માચે ફૂડ સબસિડી માટે રૂ. 2.3 લાખ કરોડની જોગવાઈ કરે એવી ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષે એ રૂ. 2.7 લાખ કરોડ રાખવામાં આવી હતી. સરકારે આગામી નાણાં વર્ષ માટે ફર્ટિલાઇઝર સબસિડી માટે રૂ. 1.4 લાખ કરોડની જોગવાઈ કરે એવી શક્યતા છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં એ માટે રૂ. 2.3 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
દેશમાં કોરોના રોગચાળાની અસર ઓછી થયા પછી સરકાર પર નાણાકીય સ્થિતિ ઠીક કરવાનું દબામ છે. સરકાર આગામી નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધનો ટાર્ગેટ કમસે કમ અડધો ટકો ઘટાડે એવી શક્યતા છે.