બજેટ-2022: સામાન્ય કરદાતાઓ નિરાશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2022-23ને સંસદમાં રજૂ કરી દીધું છે. પોતાનાં બજેટ સંબોધનમાં એમણે અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. તેમણે આવકવેરા સ્લેબ્સમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી. જોકે તમામ વર્ચ્યુઅલ અથવા ડિજિટલ એસેટ્સમાંથી થનાર કોઈ પણ પ્રકારની આવક પર 30 ટકા વેરો લાગશે. વર્ચ્યુઅલ એસેટ્સની ભેટસોગાદ ઉપર પણ તે પ્રાપ્ત કરનારને વેરો લાગુ કરવામાં આવશે.

બજેટ હાઈલાઈટ્સઃ


સીતારામનનું સૌથી ટૂંકું બજેટ ભાષણ 

નિર્મલા સીતારામનનું આજનું બજેટ ભાષણ લગભગ એક કલાક ૩૧ મિનિટ સુધી ચાલ્યું હતું.

ગયા વર્ષે એમનું બજેટ ભાષણ લગભગ એક કલાક ૪૮ મિનિટ ચાલ્યું હતું. ૨૦૨૦માં તે ૨ કલાક ૪૦ મિનિટ સુધી ચાલ્યું, જે અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ હતું. તેની પહેલાંના વર્ષે એટલે કે ૨૦૧૯માં ભાષણ ૨ કલાક ૧૭ મિનિટ લાંબું હતું. આમ, આજે ૨૦૨૨-૨૩ માટે રજૂ કરાયેલું બજેટનું ભાષણ સૌથી ટૂંકું હતું.


કરદાતાઓ માટે કોઈ મોટી જાહેરાત નથીઃ નાની જાહેરાતો આ પ્રમાણે છેઃ

• વ્યક્તિગત કરદાતાઓ માટે આવક વેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક્ઝેમ્પશન તથા ડિડક્શન સંબંધે પણ કોઈ જાહેરાત થઈ નથી.
• કરદાતાઓ સંબંધિત આકારણી વર્ષ પૂરું થયા બાદ બે વર્ષની અંદર સુધારિત રિટર્ન ફાઇલ કરી શકશે. આ નવી જોગવાઈને પગલે સ્વૈચ્છિક ફાઇલિંગનું પ્રમાણ વધશે અને કાનૂની ખટલાઓની સંખ્યા પણ ઘટશે.
• ડિજિટલ ઍસેટની ટ્રાન્સફર માટે કરાયેલા પૅમેન્ટ પર 1 ટકો ટીડીએસ લાગુ થશે.
• કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ રાજ્ય સરકારોના કર્મચારીઓ માટે નૅશનલ પેન્શન સ્કીમમાં કરાતા એમ્પ્લોયરના યોગદાન માટે હવે 10 ટકાને બદલે હવે 14 ટકાનું ડિડક્શન મળશે.


કટ અને પોલિશ્ડ ડાયમંડ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી
• છત્રીઓ પરની કસ્ટમ્સ ડ્યુટી વધારીને 20 ટકા કરવામાં આવી


જીએસટીના કલેક્શન વિશે નાણાપ્રધાને કરી ખાસ જાહેરાત
• બજેટના ભાષણમાં સમાવેશ ન હોવા છતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાન્યુઆરી 2022ના જીએસટીના કલેક્શનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યા મુજબ જાન્યુઆરીનું કલેક્શન 1.40,986 કરોડ રૂપિયા થયું હતું, જે જીએસટી લાગુ પડ્યા બાદનું સર્વોચ્ચ કલેક્શન હતું.


આર્થિક સર્વેક્ષણ બાદ બજેટને પણ શેરબજારે વધાવ્યું

• બજેટ રજૂ થવા પહેલાંથી ઉપર ગયેલું બજાર બજેટની રજૂઆત દરમિયાન સતત ઉપર રહ્યું છે. હાલ સેન્સેક્સમાં 860 પોઇન્ટથી વધારેની વૃદ્ધિ


સ્ટાર્ટઅપ્સ માટેની કરવેરાની સવલતો આપવાનો સમયગાળો 31 માર્ચ, 2023 સુધી લંબાવાયો

• વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટની ટ્રાન્સફરથી થનારી આવક પર 30 ટકા કરવેરો લાગુ કરવામાં આવશે. ઍસેટ હસ્તગત કરવા માટે થયેલા ખર્ચ સિવાયનો કોઈ ખર્ચ તેમાંથી બાદ લઈ નહીં શકાય. આવી ટ્રાન્સફરમાં થયેલા નુકસાનને પણ તેમાંથી સેટ ઓફ નહીં લઈ શકાય.


• સરકાર આ વર્ષે 5જી સ્પેક્ટ્રમની હરાજી કરશે


• મૂડીગત ખર્ચમાં વધારો કરીને 7.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
• આવતા નાણાકીય વર્ષમાં ઈ-પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં આવશે.


સરકાર સોવરિન ગ્રીન બોન્ડ લૉન્ચ કરશે
• નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ દેશમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાની દૃષ્ટિએ અમલમાં મુકાનારા પ્રોજેક્ટ્સમાં સોવરિન ગ્રીન બોન્ડ્સનાં નાણાં વાપરવામાં આવશે.
• આવતા નાણાકીય વર્ષ માટેના સરકારના કરજ લેવાના કાર્યક્રમ હેઠળ આ બોન્ડ ઇસ્યૂ કરવામાં આવશે.
• બોન્ડ દ્વારા મળનારાં નાણાંનો ઉપયોગ સરકારી કંપનીઓના પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.


રાજકોષીય ખાધ
• વર્તમાન નાણાકીય વર્ષની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)ના 6.9 ટકા જેટલી રહેશે. બજેટમાં 6.8 ટકાનો અંદાજ રખાયો હતો. આવતા વર્ષ માટે 6.4 ટકાનો અંદાજ રખાયો છે.


2022-23માં બ્લોકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને રિઝર્વ બૅન્ક ડિજિટલ રૂપિયો લૉન્ચ કરશે


પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 48,000 કરોડ રૂપિયાની ફાળવણી

• 2022-23માં પીએમ આવાસ યોજનાના નિશ્ચિત લાભાર્થીઓ માટે 80 લાખ નવાં ઘર બનાવવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓ તરીકે 60,000 ઘરની નોંધ કરવામાં આવશે.
• 2022-23માં એફોર્ડેબલ હાઉસિંગ યોજના માટે 80 લાખ પરિવારોની નોંધ કરવામાં આવશે.


શિક્ષણ ક્ષેત્ર માટેનાં પગલાં
• કૃષિ વિદ્યાપીઠોમાં પ્રાકૃતિક ખેતી, શૂન્ય બજેટની ખેતી અને ઓર્ગેનિક ખેતી શીખવવામાં આવે એ માટે રાજ્યોને અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
• પીએમ ઈ-વિદ્યા કાર્યક્રમ હેઠળ દરેક ધોરણ માટે એક ટીવી ચૅનલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ આ ચૅનલોની સંખ્યા 12 છે, જે વધારીને 200 કરવામાં આવશે.
• ઈ-વિદ્યા માધ્યમની મદદથી રાજ્યો પહેલાથી બારમા ધોરણ સુધીનાં બાળકોને પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ આપી શકાશે.


ડિજિટાઇઝેશન માટેનાં પગલાં
• લૉજિસ્ટિક્સ માટે અલગ અલગ પરિવહન માધ્યમોનું સર્વાંગી માધ્યમ ઊભું કરવામાં આવશે, જેમાં તમામ માધ્યમોના ઓપરેટરો ડેટાનું આદાનપ્રદાન કરી શકશે.
• લોકોના કૌશલ્યને વધારવા માટે તથા રોજગારસર્જન માટે ડિજિટલ ઈકોસિસ્ટમ રચવામાં આવશે. તેમાં ઓનલાઇન તાલીમ આપવામાં આવશે અને યોગ્ય નોકરી મેળવવામાં મદદ કરવામાં આવશે.
• આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ ઈકોસિસ્ટમ વિકસાવવા માટે મુક્ત મંચ ઊભો કરવામાં આવશે.


ગતિશક્તિમાં રેલવે માટેનાં પગલાં
• આવતાં ત્રણ વર્ષમાં 400 અત્યાધુનિક વંદેભારત ટ્રેન વિકસાવવામાં અને ઉત્પાદિત કરવામાં આવશે.
• સ્થનિક બિઝનેસને મદદ કરવા માટે દરેક સ્ટેશનને સ્થાનિક કોઈ એક વસ્તુ સાથે સાંકળવામાં આવશે.
• રેલવેમાં ત્રણ વર્ષમાં 100 કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે.


સરકારે જાહેર કરેલી ગતિશક્તિનાં સાત એન્જિન
• રેલવે
• ઍરપોર્ટ
• બંદર
• જાહેર પરિવહન
• જળપરિવહન
• લૉજિસ્ટિક્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

મધ્યમ ગાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે સરકારી રોકાણ કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. એક કરતાં વધુ પરિવહનનાં માધ્યમો દ્વારા ગતિશક્તિના ટેક્નૉલૉજી આધારિત માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે.


નાણાપ્રધાને કહ્યું છે કે સરકાર મેક્રોઈકોનોમિક વિકાસની સાથે સાથે જનકલ્યાણને ધ્યાનમાં રાખીને સર્વસમાવેશક માઇક્રો વિકાસ પર પણ લક્ષ આપશે. સરકાર ડિજિટલ અર્થતંત્રને તથા ફિનટેકને પ્રોત્સાહન આપશે, ઊર્જાના નવા સ્રોતોનો ઉપયોગ કરવામાં આવશે અને પર્યાવરણનું જતન કરવામાં આવશે.
———-
પીએમ ગતિશક્તિ યોજનાને પર ભાર મૂકતું બજેટ
• ગતિશક્તિના માસ્ટરપ્લાનમાં આર્થિક પરિવર્તન માટેનાં સાત મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.
• આવતા નાણાકીય વર્ષમાં એક્સપ્રેસવે માટે પીએમ ગતિશક્તિ માસ્ટરપ્લાન ઘડવામાં આવશે
• રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્કનો વિસ્તાર કરીને 25,000 કિ.મી.નો ઉમેરો કરવામાં આવશે


ખેતી માટેનાં પગલાં
• ખેડૂતોને ટેકાના ભાવ રૂપે 2.7 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી આપવામાં આવશે
• ખેતીને રસાયણમુક્ત બનાવવામાં આવશે
• ખેડૂતો માટેનાં ડ્રોનને પ્રોત્સાહન આપવામાં આવશે


2022-23ના બજેટની પ્રાથમિકતાઓ
• પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના
• સર્વસમાવેશક વિકાસ
• ઉત્પાદકતાની વૃદ્ધિ
• નવાં ક્ષેત્રોમાં સંભાવનાઓ
• ઊર્જા ક્ષેત્રે પરિવર્તન
• પર્યાવરણનું જતન
• રોકાણો માટે નાણાં પૂરાં પાડવાં


  • આગામી પાંચ વર્ષ સુધી દેશભરમાં નવી 60 લાખ નોકરીઓ આપીશુઃ નાણાં પ્રધાન સીતારામન
  • ભારતનો આર્થિક વિકાસ દર 9.27 ટકાનો અંદાજવામાં આવ્યો છેઃ નિર્મલા સીતારામન
  • આપણો દેશ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે, સૌના સાથ, સૌના વિકાસ સાથે લક્ષ્યને હાંસલ કરી શકીશું: નિર્મલા સીતારામન

અગાઉ, નાણાં પ્રધાન સીતારામન ગયા વર્ષની જેમ આ વખતે પણ પેપરલેસ ફોર્મેટમાં રજૂ કરવા માટે સંસદભવન પહોંચ્યાં હતાં. તેઓ આ વર્ષે પણ એમની સાથે પરંપરાગત બહી-ખાતા સ્ટાઈલમાં લાલ રંગના પાઉચમાં વીંટાળેલા ડિજિટલ ટેબ્લેટ સાથે સંસદભવન ગયાં હતાં. બ્રિફકેસને બદલે ટેબ્લેટને ગોલ્ડન રંગવાળા રાષ્ટ્રીય પ્રતીક સાથે લાલ રંગના કવરની અંદર સંભાળીને રાખવામાં આવ્યું હતું. સીતારામન સવારે નાણાં મંત્રાલય ખાતે ગયાં હતાં અને ત્યાંથી આ ટેબ્લેટ લઈને પરંપરાનુસાર રાષ્ટ્રપતિ ભવન ગયાં હતાં. ત્યાં એમણે બજેટ-2022ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ રજૂ કર્યું હતું. એમની સાથે નાણાં મંત્રાલયમાં એમનાં સહયોગી પ્રધાન અને અધિકારીઓ પણ હતાં. સીતારામન દેશનાં પ્રથમ ફૂલ-ટાઈમ મહિલા નાણાં પ્રધાન છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]