યુરિયા બાદ હવે ભારત પર ‘સલ્ફર’ સંકટ?

નવી દિલ્હીઃ ભારતે પૂરતા પ્રમાણમાં યુરિયા અને નેચરલ ગેસ (LNG)ની આયાત કરીને દેશમાં નાઇટ્રોજન આધારિત ખાતરના સંકટને હાલ પૂરતું ટાળી દીધું છે. જોકે હવે ભારતીય કૃષિ ક્ષેત્ર સામે વધુ એક નવું અને ગંભીર સંકટ આવીને ઊભું રહ્યું છે. આ સંકટ ‘સલ્ફર’ (ગંધક)ની વૈશ્વિક અછત અને તેની સતત વધતી કિંમતોનું છે.

પશ્ચિમ એશિયા અને રશિયા-યુક્રેન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે સલ્ફરના ભાવમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. તેને કારણે દેશમાં ડાય-અમોનિયમ ફોસ્ફેટ (DAP), સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) અને અન્ય જટિલ ખાતરોના ઉત્પાદન તથા ઉપલબ્ધતા પર સીધી અસર પડી છે.

બમણી થઈ ગઈ કિંમતો

આ વર્ષની શરૂઆતથી જ ભારતમાં આયાત થતા સલ્ફરની કુલ કિંમત (પડતર અને દરિયાઈ માલભાડું મળીને) બમણી થઈને $ 1050 થી $ 1100 પ્રતિ ટન સ્તરે પહોંચી ગઈ છે. આ વધારાનું મુખ્ય કારણ યુક્રેન દ્વારા રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને નેચરલ ગેસ પ્લાન્ટ્સ પર કરવામાં આવેલા લાંબા અંતરના ડ્રોન અને મિસાઇલ હુમલા છે. આ સાથે જ ઈરાન દ્વારા સાઉદી અરામકો, કતાર એનર્જી અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપનીના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાથી પણ પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

ખાતર નિર્માણ માટે સલ્ફર કેમ આટલું જરૂરી છે?

વિશ્વમાં કુલ સલ્ફર ઉત્પાદનનો માત્ર 10 ટકા હિસ્સો જ સીધો ખાણોમાંથી કાઢવામાં આવે છે. બાકીનો 90 ટકા સલ્ફર ક્રૂડ ઓઇલના રિફાઇનિંગ (56 ટકા) અને નેચરલ ગેસના પ્રોસેસિંગ (34 ટકા) દરમિયાન આડપેદાશ (બાય-પ્રોડક્ટ) તરીકે મળે છે. સ્વચ્છ અને ઓછું પ્રદૂષણ ફેલાવતું બળતણ બનાવવા માટે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાંથી સલ્ફર દૂર કરવું અનિવાર્ય હોય છે.

વૈશ્વિક સ્તરે દર વર્ષે લગભગ 70 મિલિયન (સાત કરોડ) ટન સલ્ફરનો વપરાશ થાય છે, જેમાંથી આશરે 60 ટકા હિસ્સો એકલા ખાતર (ફર્ટિલાઇઝર) ઉદ્યોગમાં વપરાય છે. આ સલ્ફરને સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે ફોસ્ફરસવાળાં તમામ ખાતરો બનાવવા માટેનું મુખ્ય રસાયણ છે. ખાતર ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ફોસ્ફરસનો મુખ્ય સ્ત્રોત રોક ફોસ્ફેટ છે. પરંતુ આ કાચા ફોસ્ફરસને ત્યાં સુધી ખાતર તરીકે વાપરી શકાતું નથી, જ્યાં સુધી સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીને તેને પાણીમાં ઓગળી શકે તેવું (વોટર સોલ્યુબલ) ના બનાવી લેવાય. સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડ વિના DAP, SSP અથવા 20:20:0:13, 10:26:26 અને 12:32:16 જેવાં લોકપ્રિય મિશ્ર ખાતરો બનાવવાનું અશક્ય છે.