નેશનલ કોન્ફરન્સમાં બળવોઃ 18 ધારાસભ્યોની ગુપ્ત બેઠક

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં 27 ઓક્ટોબરે થયેલા મંત્રીમંડળના ફેરબદલે સત્તાધારી નેશનલ કોન્ફરન્સ (NC)ની અંદર મોટો અસંતોષ ઊભો કર્યો છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ઓછામાં ઓછા 18 ધારાસભ્યો કોઈ ઔપચારિક જાહેરાત વિના શ્રીનગરમાં લોલાબના ધારાસભ્ય કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને એકઠા થયા હતા.

આ બેઠક એવા સમયે યોજવામાં આવી હતી, જ્યારે અનેક વરિષ્ઠ ધારાસભ્યો ઓમર અબદુલ્લા સરકારના 27 ઓક્ટોબરના કેબિનેટ ફેરબદલથી નારાજ છે. આ ફેરબદલમાં નેશનલ કોન્ફરન્સના ચાર ધારાસભ્યો અલી મોહમ્મદ સાગર, મીર સૈફુલ્લા, શમીમા ફિરદૌસ અને અલ્તાફ અહેમદ કાલુને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે અપક્ષ ધારાસભ્ય સતીશ શર્માને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

આ ધારાસભ્યો બેઠકમાં થયા સામેલ

આ અઘોષિત બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોમાં મુઝફ્ફર ઇકબાલ ખાન (થાનામંડી), મુશ્તાક અહેમદ ગુરુ (ચનાપોરા), ડો. સજ્જાદ શફી (ઉરી), ખુર્શીદ અહેમદ (ગુલાબગઢ), અર્જુન સિંહ રાજુ (રામબન), જાવેદ ઇકબાલ ચૌધરી (બુધલ), એજાઝ અહેમદ જાન (પુંછ હવેલી), અબ્દુલ મજીદ ભટ્ટ ઉર્ફે લર્મી (અનંતનાગ પશ્ચિમ), બશીર અહેમદ વેરી (બિજબેહરા), હિલાલ અકબર લોન (સોનાવારી), નઝીર અહેમદ ખાન (ગુરેઝ), મુબારક ગુલ (ઈદગાહ), ફારુક અહેમદ શાહ (તાંગમર્ગ), સૈફ-ઉદ-દીન ભટ્ટ (ખાનસાહિબ), જાવેદ અહેમદ (કરનાહ), ગુલામ મોહિઉદ્દીન મીર (રાજપોરા), હસનૈન મસૂદી (પમ્પોર) અને કૈસર જમશેદ લોન (લોલાબ)નો સમાવેશ થાય છે. આ બેઠકમાં સામેલ એક વરિષ્ઠ ધારાસભ્યએ આ બેઠકને માત્ર એક ‘મિત્રતાપૂર્ણ લંચ’ ગણાવી હતી.

ધારાસભ્યોએ પાર્ટી નહીં તોડવાનો નિર્ણય લીધો

જોકે લંચનું આયોજન કરનારા કૈસર જમશેદના નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં અનેક મહત્ત્વના સંગઠનાત્મક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એ સાથે જ સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ પણ ધારાસભ્ય પાર્ટી છોડશે નહીં અને પાર્ટીમાં ભાગલા પાડવાનો પ્રયાસ પણ કરશે નહીં.

બે વર્ષથી વધુ સમયથી મંત્રીપદે રહેલા નેતાઓને હટાવવાની માગ

આ આવેદનપત્રમાં એવા મંત્રીઓને હટાવવાની માગ કરવામાં આવી શકે છે, જેમણે પોતાના મંત્રીપદે બે વર્ષ પૂર્ણ કરી લીધાં છે. ધારાસભ્યો વર્તમાન મંત્રીમંડળની વ્યવસ્થામાં ફેરફાર ઇચ્છે છે. જોકે તેમણે નેશનલ કોન્ફરન્સ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે અને પાર્ટી નહીં છોડવાની પ્રતિજ્ઞા લીધી છે.