મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEના BSE બોન્ડ પ્લેટફોર્મ મારફત ભારત સંચાર નિગમ લિમિટેડએ તેના સૌપ્રથમ બોન્ડ ઈશ્યુના પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ.8500 કરોડ સફળતાપૂર્વક એકત્ર કર્યા છે. BSE બોન્ડ પ્લેટફોર્મ પર રૂ.17,183.10 કરોડની કુલ 229 બીડ્સ પ્રાપ્ત થઈ હતી.
આ પ્રસંગે BSEના ચીફ ટ્રેડિંગ ઓપરેશન્સ એન્ડ લિસ્ટિંગ સેલ્સ ગિરીશ જોશીએ કહ્યું કે BSE બોન્ડ પ્લેટફોર્મ કંપનીઓને પારદર્શી અને કાર્યક્ષમ રીતે ડેટ કેપિટલ એકત્ર કરવામાં સહાય કરે છે અને દેશના અર્થતંત્રના વિકાસ માટે કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાયભૂત થવાનો અમને આનંદ છે.
નાણાકીય વર્ષ 2020-21માં ડેટ પ્લેટફોર્મ્સ પરથી કંપનીઓએ 20 સપ્ટેમ્બર 2020 સુધીમાં કુલ રૂ.2,65,426 કરોડ એકત્ર કર્યા છે, જેંમાં BSEનો હિસ્સો રૂ.1,83,538 કરોડનો છે, જે 59 ટકાના માર્કેટ હિસ્સાને દર્શાવે છે. BSE બોન્ડ પ્લેટફોર્મનો પ્રારંભ જુલાઈ 2016મા થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમા કંપનીઓ રૂ.13,01,065 કરોડ એકત્ર કરી ચૂકી છે.