મુંબઈઃ બીએસઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બીએસઈ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડને પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ એક્ટ, 2007 હેઠળ ટ્રેડ રિસિવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (ટ્રેડ્ઝ) સ્થાપવા અને ઓપરેટ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી પ્રાપ્ત થઈ છે. ટ્રેડ્ઝ એવું ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, જેના પર માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈઝ)નાં ટ્રેડ રિસિવેબલ્સ (વેપાર લેણાં)નું ડિસ્કાઉન્ટિંગ કે ફાઈનાન્સિંગ બહુવિધ ધિરાણકર્તાઓ મારફત થઈ શકશે. આ રિસિવેબલ્સ, કંપનીઓ અને સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રનાં સાહસો સહિત કોઈ પણ કંપની કે અન્ય ખરીદદારો પાસેથી લેવાનાં હોઈ શકે છે.
આ નવા સાહસને મળેલી મંજૂરી અંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું છે કે બીએસઈ કોમોડિટીઝ, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસીસ માર્કેટ માટેનાં આઈટી સોલ્યુશન્સની વિસ્તૃત રેન્જ પૂરી પાડે છે. આરબીઆઈની મંજૂરી મળતાં બીએસઈ ટેક હવે એમએસએમઈને ટ્રેડ્ઝ પ્લેટફોર્મ મારફતે તેમની કાર્યકારી મૂડીને મેનેજ કરવાની ક્ષમતા પૂરી પાડશે. અમને આશા છે કે ટ્રેડ્ઝ પ્લેટફોર્મ એમએસએમઈઝના ધિરાણ અને વિકાસમાં યોગદાન પૂરું પાડશે.
ટ્રેડ્ઝ પ્લેટફોર્મ એમએસએમઈઝનાં ઈન્વોઈસીસ કે બિલોના ડિસ્કાઉન્ટિગ માટે બધા સંલગ્ન સહભાગીઓને એક મંચ પર લાવશે. રિઝર્વ બેન્ક પાસેથી અંતિમ મંજૂરી મળે અને લાઈસન્સ સર્ટિફિકેટ મળે એ પછી આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે.