વિક્રમી-દિવસઃ એકસાથે આઠ-કંપનીઓનું બીએસઈ એસએમઈ પર લિસ્ટિંગ

મુંબઈ તા.10 ઓક્ટોબર, 2022: બીએસઈ એસએમઈ પર સોમવારે એકસાથે આઠ કંપનીઓ લિસ્ટ થતાં બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ચારસોને પાર કરીને 402 થઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.60,000 કરોડની સપાટી વટાવી ગયું છે. જે આઠ કંપનીઓ સોમવારે લિસ્ટ થઈ છે તેમાં સિલિકોન રેન્ટલ સોલ્યુશન્સ, ટ્રાઈડન્ટ લાઈફલાઈન, રીટેક ઈન્ટરનેશનલ કાર્ગો એન્ડ કુરિયર, કાર્ગોટ્રાન્સ મેરીટાઈમ, કોન્કોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સ, આઈસોલેશન એનર્જી, કાર્ગોસોલ અને સ્ટીલમેન ટેલિકોમનો સમાવેશ થાય છે. 

સિલિકોન રેન્ટલે રૂ.10ની મૂળ કિંમતના 27.12 લાખ શેર્સ રૂ.78ની કિંમતે ઓફર કરીને રૂ.21.15 કરોડ એકત્ર કર્યા હતા. મુંબઈસ્થિત આ કંપની દેશમાં એન્ડ-યુ-એન્ડ આઈટી ઈક્વિપમેન્ટ ભાડે આપવાનો વ્યવસાય 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરે છે.

ટ્રાઈડન્ટ લાઈફલાઈને રૂ.10ની મૂળ કિંમતના 34,99,200 ઈક્વિટી શેર્સ રૂ.101ની કિંમતે ઓફર કરી રૂ.35.34 કરોડ એકત્ર કર્યા હતા. ગુજરાતસ્થિત આ કંપનીની રજિસ્ટર્ડઓફિસ સુરતમાં છે. કંપની સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં ફાર્માસુયટિકલ્સ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તે થર્ડ પાર્ટી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા પણ પ્રોડક્ટનું વિતરણ કરે છે. કંપની 832 પ્રોડક્ટ્સ ધરાવે છે, જેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ડાયાર્હીલ, એન્ટી ફંગલ, એન્ટી મેલેરિયા જેન્ટલ કેર,, પ્રોટોન પંપ ઈન્હિબિટર્સ વગેરેનો સમાવેશ થાય છે.

રીટેક ઈન્ટરનેશનલ કાર્ગો એન્ડ કુરિયરે રૂ.10ની મૂળ કિંમતના 11,44,800 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.105ની કિંમતે ઓફર કરી રૂ.11.71 કરોડ એકત્ર કર્યા હતા. છત્તીસગઢના રાઈપુરસ્થિત આ કંપની કોલ સપ્લાયનું કામમકાજ કરે છે. કંપનીના પ્રોડક્ટમાં ઈન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના કોલસાનો સમાવેશ થાય છે. 

કાર્ગોટ્રાન્સ મેરીટાઈમ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના  10.80 લાખ ઈક્વિટી શેર્સ રૂ.45ની કિંમતે ઓફર કરી રૂ.4.86 કરોડ એકત્ર કર્યા હતા. ગુજરાતસ્થિત કચ્છમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી આ કંપની ઈન્ટરનેશનલ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની ગુજરાતનાં ચાર પોર્ટ મુંદ્રા, બજીરા, કંડલા અને પીપાવાવ ખાતે કામગીરી કરે છે. કંપની 9 કમર્શિયલ ટ્રેઈલર્સ ધરાવે છે અને માગ અનુસાર અન્ય ટ્રેઈલર્સ ભાડે પણ લે છે.

કોન્કોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સે રૂ.10ની કિંમતના 15.12 લાખ શેર્સ રૂ.55ની કિંમતે ઓફર કરી રૂ.8.32 કરોડ એકત્ર કર્યા હતા. કંપની લખનઉમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. કંપની દેશની રેલવેઝ માટેની  ઈલેક્ટ્રિક સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે.

આઈસોલેશન એનર્જી રાજસ્થાન સ્થિત કંપની છે, જેણે રૂ.10ની મૂળ કિંમતના 58.32 લાખ ઈક્વિટી શેર રૂ.38ની કિંમતે ઓફર કરી રૂ.22.16 કરોડ એકત્ર કર્યા હતા. કંપની સોલર પેનલ્સ અને હાઈ ફ્રિકવન્સી મોડ્યુલ્સનું ઉત્પાદન કરે છે. જયપુરમાં તેની રજિસ્ટર્ડ ઓફિસ છે. કંપની 200 મેગાવોટની ક્ષમતાનો એસપીવી મોડ્યુલ પ્લાન્ટ ધરાવે છે જે 60,000 સ્કવેરફીટમાં ફેલાયેલો છે. કંપની સોલર પાવર કન્ડિશનિંગ યુનિટનું ટ્રેડિંગ કરે છે.

કાર્ગોસોલ લોજિસ્ટિક્સે રૂ.10ની મૂળ કિંમતના 27 લાખ ઈક્વિટી શેર રૂ.28ની કિંમતે ઓફર કરી રૂ.7.56 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે. કંપની થર્ડ પાર્ટી લોજિસ્ટક્સ સર્વિસીસ પૂરી પાડે છે, જેમાં બહુવિધ માર્ગે પરિવહન, વેરહાઉસિંગ, કસ્ટમ્સ ક્લિયરન્સ અને પ્રોજેક્ટ કાર્ગોના હેન્ડલિંગનો સમાવેશ થાય છે. 

સ્ટીલમેન ટેલિકોમે રૂ.10ની મૂળ કિંમતના 27.10 લાખ ઈક્વિટી શેર્સ રૂ.96ની કિંમતે ઓફર કરી રૂ.26.02 કરોડ એકત્ર કર્યા હતા. કંપની પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત છે. કંપની ટેલિકોમ ઉદ્યોગની નેટવર્ક આવશ્યકતાઓ પૂરી પાડે છે. તે નેટવર્ક સર્વે અને પ્લાનિંગ, ઈન્સ્ટોલેશન અને કમિશનિંગની સર્વિસીસ પૂરી પાડે છે. કંપની એ ઉપરાંત રેડિયા ફિક્રવન્સી સર્વિસીસ, કંસ્ટ્રક્શન મેનેજમેન્ટ, મેઈન્ટેનન્સ સર્વિસીસ, પેરોલ, રિસોર્સ મેનેજમેન્ટ અને ન્યૂ જનરેશન ટેકનોલોજી સર્વિસીસ પૂરી પાડે છે.