અમદાવાદઃ નિફ્ટીના વીકલી એક્સપાયરીના દિવસે બેતરફી વધઘટે બજારમાં નીચલા સ્તરેથી ઝડપી રિકવરી થઈ હતી. BSEના આશરે બધા સેક્ટરના ઇન્ડેક્સમાં તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ વધ્યા હતા. છેલ્લા એક કલાકમાં સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ ઊછળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આજે રૂ. 3.09 લાખ કરોડ વધ્યા હતા.
નિફ્ટી બે સપ્તાહના ઊંચા સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 22,400ને પાર પહોંચ્યો હતો. HDFC બેન્ક, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, એમ એન્ડ એમ અને રિલાયન્સની આગેવાની હેઠળ શેરોમાં વેચાણો કપાતાં બજારમાં સુધારો થયો હતો. જેથી સેન્સેક્સ 677 પોઇન્ટની તેજી સાથે 73,664ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 203 પોઇન્ટની તેજી સાથે 22,404ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 446 પોઇન્ટ ઊછળી 51,153ના સ્તરે બંધ થયો હતો. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.85 પોઇન્ટની તેજી સાથે બંધ થયો હતો.
બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં ભારતીય બજારો નબળો દેખાવ કરી રહ્યા છે, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 5.08 ટકા અને યુરો સ્ટોક્સ 50 ઇન્ડેક્સ 3.74 ટકા ઊછળ્યો છે. જ્યારે નિફ્ટી 0.24 ટકા ફ્લેટ રહ્યો છે.
BSE પર કુલ 3952 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2140 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1689 શેરોમાં નરમાઈ હતી. 123 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 193 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી., જ્યારે 30 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.