BSE સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,900ની નીચે

અમદાવાદઃ સપ્તાહના અંતે ઘરેલુ શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી નિફ્ટી અને સેન્સેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર વેચવાલી થઈ હતી. જેથી બજાર નીચલા સ્તરે બંધ થયું હતું. બજારમાં વેચવાલીથી રોકાણકારો અસ્કયામતોમાં રૂ. છ લાખ કરોડ સ્વાહા થયા હતા.

ઘરેલુ બજારમાં સેન્સેક્સ 1017 પોઇન્ટ તૂટીને 81,184ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 293 પોઇન્ટ તૂટીને 24,852ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 947 પોઇન્ટ તૂટીને 58,502ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 896 પોઇન્ટ તૂટીને 50,577ના સ્તરે બંધ થયો હતો. BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો, જ્યારે PSE, ઓઇલ એન્જ ગેસ અને એનર્જી ઇન્ડેક્સમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું.

અમેરિકામાં રોજગારથી જોડાયેલા મહત્ત્વના ડેટા સાંજે જાહેર થવાના છે, જેની અસર ફેડ રિઝર્વના વ્યાજદરોથી જોડાયેલા નિર્ણય પર પડી શકે છે. US ફેડની આ મહિને મીટિંગ થવાની છે. સપ્ટેમ્બરની ફેડ મીટિંગમાં વ્યાજદરોમાં કાપ મુકાવાની શક્યતા છે. જોએ કાપ કેટલો રહેશે એ રોજગારના ડેટા પર નિર્ભર રહેશે.

ઘરેલુ શેરબજારોમાં NSE પર ઉપલબ્ધ આંકડા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII)એ પાંચ સપ્ટેમ્બરે રૂ. 689 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રૂ. 2970.74 કરોડની લેવાલી કરી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4034 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1412 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2534 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 88 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 289 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 36 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.