BSE સેન્સેક્સ @80K: શેરબજાર નવી રેકોર્ડ ઊંચાઈએ

અમદાવાદઃ સપ્તાહના સતત ત્રીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. HDFC બેન્કની આગેવાની હેઠળ બેન્કિંગ શેરો તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ, નિફ્ટી નવા શિખરે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં આજે નિફ્ટી બેન્ક, મિડકેપ ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. PSE, FMCG, ફાર્મા અને મેટલ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ સૌપ્રથમ વાર 80,000ને પાર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 24,307ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા 57 દિવસમાં સેન્સેક્સ 5000 પોઇન્ટ ઊછળ્યો છે. સેન્સેક્સે માત્ર 138 દિવસમાં 10,000 પોઇન્ટ ઊછળ્યો હતો.

BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ હવે રૂ. 446 લાખ કરોડે પહોંચ્યું છે. વર્ષ 2024માં અત્યાર સુધી લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 80 લાખ કરોડનો વધારો થયો હતો. નિફ્ટી બેન્કે 53,257ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.32 લાખ કરોડનો વધારો થયો હતો.

વર્ષ 2024માં અત્યાર સુધી સેન્સેક્સમાં 7650 પોઇન્ટથી વધુ એટલે કે 11 ટકા તેજી થઈ ચૂકી છે, જ્યારે નિફ્ટીમાં 2525 પોઇન્ટ કે 11.50 ટકાની તેજી થઈ ચૂકી છે. આ સાથે મિડકેપ ઇન્ડેક્સમાં 26 ટકા, સ્મોલકેપ ઇન્ડેક્સમાં 22 ટકાની તેજી થઈ ચૂકી છે, જ્યારે બેન્ક નિફ્ટીમાં 10 ટકા અને નિપ્ટી IT અને BSE 500માં 17.29 ટકાની તેજી આવી ચૂકી છે. છેલ્લા 57 દિવસમાં સેન્સેક્સ 5000 પોઇન્ટ ઊછળ્યો છે.

BSE એક્સચેંજ પર કુલ 4021 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2355 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1567 શેરો નરમ બંધ આવ્યા હતા, જ્યારે 99 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 337 શેરોએ 52 સપ્તાહની સપાટી સર કરી હતી, જ્યારે 17 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટીએ પહોંચ્યા હતા.