BSE સેન્સેક્સ 79,000, જ્યારે નિફ્ટી 24,000ને પાર

અમદાવાદઃ જૂન એક્સપાયરીના દિવસે ઘરેલુ શેરબજારોમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ થયા હતા. નિફ્ટી સૌપ્રથમ વાર 24,000ને પાર થયો હતો, જ્યારે સેન્સેક્સ 79,000ને પાર પહોંચવામાં સફળ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 1.81 લાખ કરોડનો વધારો થયો હતો. આ સાથે મિડકેપ શેરોમાં તેજી થઈ હતી, જ્યારે સ્મોલ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

વૈશ્વિક સંકેતો પ્રતિકૂળ હતા અને એશિયન બજારોમાં પણ વેચવાલી થઈ હતી. જોકે આ પહેલાં બુધવારે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 569 પોઇન્ટ ઊછળી 79,243ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 176 પોઇન્ટ તૂટીને 24,044ના મથાળે બંધ થયો હતો. નિફ્ટીએ ઇન્ટ્રા-ડેમાં 24,087.45ની ઓલટાઇમ ઊંચી સપાટી સર કરી હતી.  IT, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે લેવાલી થઈ હતી. જોકે બેકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) ગઈ કાલે ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 3535.4 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ એટલે કે DII ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 5103.7 કરોડના શેરો ખરીદ્યા હતા.

BSE પર કુલ 4008 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1529 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2366 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો ને 113 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 300 શેરોએ 5 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 26 શેરોએ 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.