અમદાવાદઃ નવેમ્બર એક્સપાયરીના દિવસે ઘરેલુ શેરબજારોમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 1.5 ટકા ઘટીને બંધ રહ્યા હતા. IT, ઓટો, બેન્કિંગ, એનર્જી, PSE અને FMCG ઇન્ડેક્સ ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરેમાં પણ ઉપલા સ્તરેથી નફારૂપી વેચવાલી થઈ હતી. રોકાણકારોના આશરે રૂ. 1.08 લાખ કરોડ ડૂબ્યા છે.
વૈશ્વિક મિશ્ર સંકેતોને પગલે ઘરેલુ શેરબજારોમાં IT શેરોની આગેવાની હેઠળ વેચવાલી થઈ હતી. વધુમાં, એશિયાનાં બજારોમાં પણ મિશ્ર પ્રવાહ જોવા મળ્યા હતા. આ ઉપરાંત વ્યાજદર ઘટાડામાં ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે 1190.34 પોઇન્ટ તૂટીને 79,043.74ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 361 પોઇન્ટ તૂટીને 23,914.15ના સ્તરે બંધ થયો હતો.
ઘરેલુ શેરબજારોમાં 38 સેશનની રેકોર્ડ વેચવાલી પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મહારાષ્ટ્રમાં સત્તા પક્ષે ચૂંટણીમાં જીત મેળવતાં 25 નવેમ્બરે રૂ. 10,000 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી. જોકે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જીતથી અમેરિકા ફર્સ્ટ બિઝનેસ મામલે ફરીથી ઊંચકાયો છે, જેનાથી ટેક્સ કાપ અને ટેરિફવધારાની અપેક્ષાએ પૈસા અમેરિકા જવાની શક્યતા છે. વળી, ટ્રમ્પની જીતથી ટ્રેડ વોર થવાની સંભાવના છે, જેને કારણે શેરોમાં વેચવાલી થઈ હતી.BSE એક્સચેન્જ પર કુલ 4049 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2236 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1705 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 108 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 203 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.