બીએસઈમાં 148 દિવસમાં રોકાણકારોની સંખ્યા 12 કરોડને પાર

મુંબઈ તા. 13 ડિસેમ્બર, 2022: બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ)માં યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી) આધારિત રજિસ્ટર્ડ ઈન્વેસ્ટરની સંખ્યા 12 કરોડને વટાવી ગઈ છે. બીએસઈએ 11 કરોડથી 12 કરોડ રોકાણકારો સુધી પહોંચવાની આ સફર 148 દિવસોમાં પૂરી કરી છે. આ પૂર્વે બીએસઈએ સાત કરોડથી આઠ કરોડ રોકાણકારોની સંખ્યા 107 દિવસમાં, 9 કરોડની માત્ર 85 દિવસમાં અને 10 કરોડની સંખ્યા 91 દિવસોમાં હાંસલ કરી હતી.

આમાં નોંધવા લાયક બાબત એ છે કે બીએસઈના 12 કરોડ યુઝર્સ (ઈન્વેસ્ટર્સ)ના 41 ટકા 20ની વયજૂથના, 30થી 40ની વયજૂથના 31 ટકા છે,  20થી 30 વયજૂથના 24 ટકા અને 11 ટકા રોકાણકારો 40થી 50 વયજૂથના છે.

બીએસઈમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યામાં સૌથી અધિક વધારો 17.72 લાખ સાથે મહારાષ્ટ્ર (20 ટકા)માં થયો છે, એ પછીના ક્રમે 13.35 લાખ રોકાણકારોની સંખ્યા સાથે ઉત્તર પ્રદેશ (10 ટકા) અને 7.06 લાખ રોકાણકારો સાથે ગુજરાત (9 ટકા) છે. મધ્ય પ્રદેશના રોકાણકારોમાં 6.41 લાખ અને રાજસ્થાનના રોકાણકારોમાં 6.34 લાખનો વધારો થયો છે.