બ્લેક મન્ડેઃ રોકાણકારોના રૂ. 5.68 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ કોમોડિટીની કિંમતોમાં ઉછાળાની સાથે મોંઘવારી વધવાની દહેશતે અને આર્થિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડવાને લીધે શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ક્રૂડની કિંમતો 13 વર્ષની ઊંચાઈ પહોંચી છે. ક્રૂડમાં ઇન્ટ્રા-ડેમાં પ્રતિ બેરલ 10 ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી બજાર માટે સપ્તાહનો પહેલો દિવસ બ્લેક મન્ડે પુરવાર થયો હતો. નિફ્ટી સાત મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 1491 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 16,000ની નીચે બંધ રહ્યો હતો. બેન્કિંગ, ફાઇનાન્શિયલ, ઓટો FMCG અને ઇન્ડેક્સ હેવી વેઇટ રિલાયન્સમાં ભારે વેચવાલી થઈ હતી.

રશિયા અને યુક્રેનના યુદ્ધને પગલે ક્રૂડની કિંમતોમાં ઉછાળાથી વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ ડોલરને મુકાબલે રૂપિયામાં ઘટાડાને પગલે વિદેશી ફંડોએ ભારતીય બજારોમાં વેચવાલી કરી હતી. જેથી બજારમાં અફરાતફરીનો માહોલ હતો.

સપ્તાહના પ્રારંભે BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનમાં નબળો ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સમાં 1966.71નો ઉતારચઢાવ જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે વેચાણો કપાતાં ટ્રેડિંગ સેશનના અંતે 1491.06 પોઇન્ટ તૂટીને 52,842.75ના મથાળે બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી ઇન્ડેક્સ 382.20 પોઇન્ટ તૂટીને 15,863.15 બંધ રહ્યો હતો.

રોકાણકારોના 11.28 લાખ કરોડ ડૂબ્યા

બજારમાં ચાલી રહેલા ઘટાડાને પગલે છેલ્લા ચાર દિવસોમાં રોકાણકારોના રૂ. 11.28 લાખ કરોડ ડૂબ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 11.28 લાખ ઘટીને 24.11 લાખ કરોડે આવી પહોંચ્યું છે. છેલ્લા ચાર સેશનમાં સેન્સેક્સ 3404.53 પોઇન્ટ તૂટ્યો છે.

આ સાથે વિદેશી રોકાણકારોએ સતત છઠ્ઠા દિવસે શેરબજારોમાં વેચવાલી ચાલુ રાખી હતી.  છેલ્લા છ મહિનામાં તેમની ચોખ્ખી વેચવાલી રૂ. બે લાખ કરોડથી વધુની રહી છે. વળી, ઓક્ટોબરથી અત્યાર સુધી ચેમણે 2,06,649 કરોડની વેચવાલી કરી છે. બજાર ઓક્ટોબર, 2021થી અત્યાર સુધીમાં હાઇથી આશરે 15 ટકા તૂટી ચૂક્યો છે. આજના ઘટાડામાં રોકાણકારોના રૂ. 5.68 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]