બ્લેક ફ્રાઇડેઃ સેન્સેક્સમાં 1100 પોઇન્ટથી વધુનો કડાકો

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં છવાયેલી મંદી અને એશિયન માર્કેટોમાં પણ મંદીને કારણે બજાર સેલઓફ્ફ મોડમાં આવી ગયું હતું. કોરોના વાઇરસ ચીનથી હવે યુરોપના દેશોમાં પણ પ્રસરવાના અહેવાલોએ ભારતીય શેરબજારોમાં પણ  જોરદાર વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ પાંચ મહિનાના નીચલા સ્તરે આવ્યો હતો. જ્યારે નિફ્ટી 50એ પણ 11,300ની મહત્ત્વની સપાટી તોડી હતી. કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે રૂપિયાએ પણ 72ની સપાટી તોડી હતી.

રોઇટર્સના એક અહેવાલ મુજબ માત્ર એક રાતમાં અમેરિકાના ત્રણ મુખ્ય ઇન્ડાઇસિસોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અહેવાલ મુજબ 2008ની  વૈશ્વિક ક્રાઇસિસ પછી આ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે એક દિવસમાં એ 1000 પોઇન્ટ તૂટ્યો હોય. એસ એન્ડ પી 500માં પણ પાછલા છ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

કોરોના વાઇરસને કારણે જુલાઈ-ઓગસ્ટ,2020માં જાપાન ઓલિમ્પિક રદ કરવામાં આવે એવી પણ આશંકા છે. ઓસ્ટ્રેલિયાનું શેરબજાર પણ ત્રણ મહિના તૂટીને છ મહિનાના નીચલા સ્તરે આવી ગયું હતું. આ સાથે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પણ અઢી ટકા તૂટ્યો હતો. જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પિ પણ દોઢ ટકા તૂટ્યો હતો.

સ્થાનિક શેરબજારમાં શેરોની જાતેજાતમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ તૂટ્યો હતો. એ પછી રિયલ્ટી, ઇન્ફ્રાસ્ટ્ક્ચર, પબ્લિક સેક્ટર, કેપિટલ ગુડ્સ, ઓટો, બેન્ક ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.

માર્કેટ કેપ ચાર લાખ કરોડ ઘટ્યું

સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટીને 38,600ના સ્તરે આવી ગયો હતો. જોકે એ એક તબક્કે 1300 પોઇન્ટ જેટલો તૂટી ગયો હતો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 1,47,19335.13 કરોડ થઈ ગયું હતું. જેમાં ગઈ કાલના મુકાબલે આશરે રૂ. ચાર લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો