રૂ. 2000ની નોટ બંધ થવાના અહેવાલોને નાણાં પ્રધાનનો રદિયો

નવી દિલ્હી:  દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટોને સર્ક્યૂલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી.

એક અહેવાલમાં જણાવાયું હતું કે, દેશમાં 2 લાખ 40 હજાર એટીએમ મશીનોમાંથી 2000 રૂપિયાની ચલણી નોટો પાછી મગાવવામાં આવી છે. આ અહેવાલને પગલે 2000ની નોટ બંધ થઈ રહી હોવાની વાતો ચગી છે.

સીતારામને કહ્યું કે 2000ની નોટ ઈસ્યૂ કરવાનું બંધ કરવાનો બેન્કોની સરકારે કોઈ સૂચના આપી નથી. ‘જ્યાં સુધી મને ખબર છે, બેન્કોને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી,’ એમ તેમણે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડાઓ સાથેની એક બેઠકમાં આમ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2000ની નોટ દેશમાં સૌથી મોટી રકમની ચલણી નોટ છે.