બજેટ અગાઉ શેરબજારમાં સાવચેતીરૂપી વેચવાલી, સેન્સેક્સ 249 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં બજેટના બે દિવસ અગાઉ તેજીને બ્રેક વાગી છે. બજેટ પહેલા સાવચેતીરૂપી નફારૂપી વેચવાલી આવી હતી. હેવીવેઈટ શેરોમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસીસ, મારૂતિ, એચડીએફસી, ઓએનજીસી અને એચડીએફસી બેંકમાં ભારે વેચવાલી રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 249.52(0.69 ટકા) ઘટી 36,033.73 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 80.75(0.73 ટકા) ઘટી 11,049.65 બંધ થયો હતો.આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હતા, જેની પાછળ ભારતીય શેરોના ભાવ સામાન્ય નરમાઈ સાથે ખુલ્યા હતા. પણ માર્કેટમાં વક્કર તેજીનો હોવાથી શરૂમાં નવી લેવાલી આવી હતી. નાણાપ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં ઈકોનોમિક સર્વે રજૂ કર્યો હતો, જે ફુલગુલાબી હતો, જે પછી હવે બજેટ પણ પ્રોત્સાહક આવશે, તેવો આશાવાદ વહી રહ્યો છે. પણ તેજીવાળા ખેલાડીઓએ બજેટ અગાઉ સાવચેતીરૂપે ઉભા લેણ સરખા કરવા વેચવાલી કાઢી હતી. અને માર્કેટની નવી તેજીને બ્રેક વાગી હતી. એકંદરે માર્કેટમાં હાઈલી ઓવરબોટ પોઝીશન છે, પરિણામે તેજીવાળાઓની વેચવાલીથી રીએક્શન આવ્યું હતું.

 • બજેટ કેવું આવશે, તેના ગભરાટમાં તેજીવાળા હળવા થયા હતા.
 • આજથી યુએસ ફેડરલ રીઝર્વની બે દિવસની બેઠક શરૂ થઈ રહી છે. જેમાં વ્યાજદરમાં વધારો થવાની ધારણા છે. જેની અસર માર્કેટ પર જોવા મળી હતી.
 • અમેરિકન સ્ટોક માર્કેટમાં સોમવારે નરમાઈ રહી હતી. આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા.
 • આજે 50થી વધુ સ્ટોક 52 સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.
 • આજે ટીસીએસની માર્કેટ કેપ વધીને 6.11 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. માર્કેટ કેપિટલાઈઝેશનને જોતાં ટીસીએસ દેશની નંબર વન કંપની બની છે. રીલાયન્સ 6.10 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાથે બીજા નંબરની કંપની રહી છે.
 • સોમવારે એફઆઈઆઈએ 291 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી, તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 90.08 કરોડની ખરીદી કરી હતી.
 • આજે ઓટો, બેંક, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, મેટલ અને ટેકનોલોજી સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ થયા હતા.
 • જ્યારે ઓઈલ એન્ડ ગેસ અને પીએસયુ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
 • રોકડાના શેરોમાં ગઈકાલની વેચવાલી આજે ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 118.91 માઈનસ બંધ હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 255.56 ઘટ્યો હતો.
 • ઈન્ડિયન ઓઈલ(આઈઓસી)નો ચોખ્ખો નફો બે ગણો વધી રૂપિયા 7,833 કરોડ થયો છે અને કુલ આવક 22.2 ટકા વધી 1.1 લાખ કરોડ પહોંચી છે.
 • આઈઓસીએ શેરહોલ્ડરોને એક શેર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તેમજ કંપનીએ શેરદીઠ રૂપિયા 19 વચગાળાનું ડિવિડંડ આપવાની ભલામણ કરી છે.