મુંબઈ તા.25 માર્ચ, 2021ઃ BSE ઈ-એગ્રિકલ્ચરલ માર્કેટ્સ લિમિટેડ (BEAM)એ સ્ટીલ યુઝર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SUFI) સાથે સમજૂતી કરાર કર્યો છે. BEAM અને SUFI વચ્ચેનું આ વ્યૂહાત્મક જોડાણ સ્ટીલની ઈલેક્ટ્રોનિક સ્પોટ માર્કેટ વિકસાવવા અને દેશની સ્ટીલબજારને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું કે આ વ્યૂહાત્મક જોડાણ સ્ટીલ ક્ષેત્રની અકંદર સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને દેશમાં સંગઠિત સ્ટીલ ઈ-સ્પોટ બજારની આવશ્કતાને પૂરી કરશે. એ ઉપરાંત તે દેશમાંના એક લાખથી અધિક MSME સ્ટીલ એકમોની કામગીરીને વધુ અસરકારક બનાવશે. SUFI સ્ટીલ ઉદ્યોગના વિવિધ હિતધારકોને એક પ્લેટફોર્મ પર લાવશે, જેના દ્વારા તે દેશમાં સ્ટીલના માથાદીઠ વપરાશમાં વધારો કરવાના અને સ્ટીલ ઉદ્યોગની કામગીરીને ઉત્કૃષ્ટ બનાવવાના હેતુને ઉત્તેજન આપી શકશે.
સ્ટીલ યુઝર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ નિકુંજ તુરખિયાએ આ પ્રસંગે કહ્યું કે SUFI તેના સભ્યોના હિતમાં સતત કાર્ય કરે છે. સ્ટીલની સ્પોટ માર્કેટમાં ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગની તાતી જરૂરિયાત હતી, જે BSE દ્વારા પૂરી કરવામાં આવશે.
BEAMના સીઈઓ રાજેશ સિંહાએ કહ્યું કે સ્ટીલ ઈ-સ્પોટ માર્કેટથી MSME ક્ષેત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહેશે.