સુપ્રીમ-કોર્ટે મિસ્ત્રીની હકાલપટ્ટીને યોગ્ય ગણાવતાં ટાટાને રાહત

નવી દિલ્હીઃ ટાટા સન્સની મોટી જીત થઈ છે. સુપ્રીમ કોર્ટે સાઇરસ મિસ્ત્રીને વર્ષ 2016માં 100 અબજ ડોલરના સોલ્ટ ટુ સોફ્ટવેર ટાટા ગ્રુપના કાર્યકારી ચેરમેનપદથી હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે ટ્રિબ્યુનલના આદેશ રદ કર્યો છે. 18 ડિસેમ્બર, 2019એ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે સાઇરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં બહાલી આપી હતી. આ ચુકાદાને ટાટાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે સાઇરસ મિસ્ત્રીને દૂર કરવાનો નિર્ણય યોગ્ય હતો. કાયદાના તમામ સવાલો ટાટા ગ્રુપના પક્ષમાં છે, એમ ન્યાયાધીઓએ કહ્યું હતું. આ ચુકાદાથી ટાટા જૂથનાં નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોને માન્યતા મળી છે, એમ રતન ટાટાએ કહ્યું હતું.

આ મુદ્દો હાર-જીતનો નથી. મારી પ્રામાણિકતા અને ગ્રુપના નૈતિક આચરણ પરનો હુમલો હતો. આ ચુકાદો આપણી ન્યાય પ્રણાલી અને ન્યાયની નિષ્પક્ષતાને મજબૂત કરે છે, એમ રતન ટાટાએ ટ્વીટ કરતાં કહ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ એસ એ. બોબડેની ખંડપીઠે ગયા વર્ષની 17 ડિસેમ્બરે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. શાપુરજી પાલનજીએ 17 ડિસેમ્બરે કોર્ટમાં ક્હ્યું હતું કે ઓક્ટોબર, 2016એ થયેલી બોર્ડની બેઠકમાં મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેનપદેથી દૂર કરવા એ ખૂની ખેલ અને આઘાતજનક હતાં. એ કંપની સંચાલનના સિદ્ધાતોની વિરુદ્ધ હતા. જોકે ટાટા ગ્રુપે આ આરોપોનો જોરદાર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મિસ્ત્રીને ચેરમેનપદેથી દૂર કરવા એ બોર્ડના અધિકાર ક્ષેત્રમાં હતું.

મિસ્ત્રી પરિવાર ટાટા સન્સમાં 18.5 ટકાનો હિસ્સો ધરાવે છે, જ્યારે ટાટા ટ્રસ્ટ અને ટાટા ગ્રુપ કંપનીઓમાં બાકીનો હિસ્સો ધરાવે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદો  ટાટા ગ્રુપની તરફેણમાં આવતાં ગ્રુપની કંપનીઓના શેરોના ભાવમાં ભારે તેજી હતી.  ટાટા મોટર અને ટાટા સ્ટીલના શેરો એક મહિનામાં 5-8 ટકા વધવાની શક્યતા બજાર વિશ્લેષકે દર્શાવી હતી.