માલ્યા, નીરવની સંપત્તિ વેચીને રૂ.13,109-કરોડ વસૂલ કરાયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં જણાવ્યું કે દેશની બેન્કોએ નીરવ મોદી, વિજય માલ્યા જેવા ડિફોલ્ટરોની સંપત્તિઓના વેચાણમાંથી આશરે રૂ. 13,109 કરોડ વસૂલ કરી લીધાં છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ સત્તાધીશોએ નીરવ અને માલ્યાની તે સંપત્તિને પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત કબજે કરી હતી.

બ્રિટનની એક કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે તેથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની ભારતની બેન્કોના સમૂહ માટે માલ્યાની માલિકીની, પણ હવે બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સ પાસેથી લેવાના નીકળતા લોનનાં નાણાં મેળવવા માટે માલ્યાની દુનિયાભરમાંની સંપત્તિઓને જપ્ત કરવાનો માર્ગ મોકળો થયો છે. 65 વર્ષીય ઉદ્યોગપતિ માલ્યા હાલ બ્રિટનમાં જામીન પર છૂટેલો છે. માલ્યા પાસેથી ભારતની બેન્કોને લોનની મૂળ રકમ અને તેની પરના વ્યાજ સહિત રૂ. 9000 કરોડથી પણ વધારે નાણાં વસૂલ કરવાના નીકળે છે.

જ્યારે હિરાના વેપારી નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સાથે લોન છેતરપીંડી કરીને બેન્કને રૂ. 13,000 કરોડનું નુકસાન કરાવ્યું છે. ચોક્સી આ કેસમાં મુખ્ય આરોપી છે.