વર્ક-ફ્રોમ-હોમ પદ્ધતિ અંગે એપલ કંપનીએ વલણ બદલ્યું

ન્યૂયોર્કઃ હાલ દુનિયાભરમાં ટેક્નોલોજી જોબ માર્કેટમાં અસ્થિરતા વ્યાપી ગઈ છે. અનેક કંપનીઓ સ્ટાફમાં છટણી કરી રહી છે. એમેઝોન, ગૂગલ, ટ્વિટર, મેટા જેવી કંપનીઓ અત્યાર સુધીમાં હજારો કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કરી ચૂકી છે. પરંતુ આ ટ્રેન્ડમાં એપલ કંપની સામેલ થઈ નથી. એણે હજી સુધી કર્મચારીઓને છૂટા કરવાની કોઈ જાહેરાત કરી નથી. જોકે કંપનીના કામકાજને લગતા નિયમોનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે કડક પગલું ભરવાની તેણે જાહેરાત જરૂર કરી છે. આ ચેતવણીમાં એવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની પણ વાત સામેલ છે.

અહેવાલો અનુસાર, એપલ કંપનીના મેનેજમેન્ટે તેના સ્ટાફને સૂચના આપી છે કે કર્મચારીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાં આવીને કામ કરવાનું રહેશે. જે લોકો આ નિયમનું પાલન નથી કરતાં એમને ગંભીર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. આ ત્રણ દિવસ એટલે દર મંગળવાર અને ગુરુવાર તથા ત્રીજો દિવસ ટીમ કેપ્ટન નક્કી કરે એ પ્રમાણેના રહેશે.

વાસ્તવમાં, કંપનીના સીઈઓ ટીમ કૂકે ગયા વર્ષના માર્ચમાં કર્મચારીઓ માટે વર્ક-ફ્રોમ-હોમ પદ્ધતિ કે સુવિધાની તરફેણ કરી હતી. એમણે એમ પણ કહ્યું હતું કે ઓફિસથી દૂર રહીને ઓફિસનું કામ કરવું એ પણ કામ કરવાનો એક ઈચ્છનીય પ્રકાર છે. આમ કહીને એમણે વર્ક-ફ્રોમ-હોમ પદ્ધતિને ‘તમામ પ્રયોગોની જનની’ તરીકે ઓળખાવી હતી.