લેડીઝલોગ, કાલ પર કન્ટ્રોલ મેળવવો છે?

તો ‘હાઉ ટુ મેક મની’ સાથે ‘હાઉ ટુ મેનેજ મની’ની કળા પણ શીખી લો

આત્મનિર્ભર બનવું એટલે માત્ર કમાવું જ નહીં, યોગ્ય નાણાકીય આયોજન પણ એટલું જ જરૂરી.

મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. મની મેનેજમેન્ટની વાતમાં પણ આજે સિનેરિયો સતત બદલાઈ રહયો છે. પહેલાં નાણાકીય નિર્ણયો પુરુષો લેતાં. આજે સ્ત્રીઓ પૈસા કમાઈ લે છે, પણ હજુ એને મેનેજ કરતી વખતે લેવાતાં નિર્ણયો માટે એને દ્વિઘા થયા કરતી હોય છે. કારણકે સ્ત્રીઓને નાનપણથી એવું જ કહેવામાં આવ્યું હોય છે કે ધીસ ઇઝ નોટ યોર કપ ઓફ ટી. આ માઇન્ડ સેટને બ્રેક કરવાની જરૂર છે. છેલ્લા સત્તર વર્ષથી ફાઇનાન્સિયલ પ્લાનર તરીકે કાર્યરત ફોરમ શાહ કહે છે, ‘મહિનાના ઘરખર્ચના પૈસામાંથી બચત કરવાની સ્ત્રીઓમાં જન્મજાત આવડત હોય છે. અને વર્કિંગ વુમનના કેસમાં પણ એ એટલું જ સાચું છે. બેસિકલી મહિલાઓ સેવિંગ ઓરિએન્ટેડ હોય છે અને આ જ ફાઇનાન્સિયલ પ્લાનિંગનો બેઝ છે.’

ફોરમ શાહ

સ્ત્રી એટલે ઘરની ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર(CIO). તમે ચાહો એટલી બચત અને રોકાણ તમે કરી શકો છો. છેલ્લા દસ વર્ષથી સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર તરીકે સક્રિય ચાર્મી શાહ કહે છે, ‘તમે હાઉસ વાઇફ છો તો તમારે રોજેરોજની બચત કરવાની. એક બોકસમાં તમારી જે-તે દિવસની બચત ઉમેરતાં જાવ. મહિનો શરૂ થયો એટલે પહેલે દિવસે તમે જો એક રૂપિયો મૂકો તો બીજી તારીખે બે રૂપિયા અને એ જ રીતે આગળ વધતા એકવીસ તારીખે એકવીસ રૂપિયા અને ત્રીસ તારીખે ત્રીસ રૂપિયા એ બોકસમાં મૂકાવા જ જોઈએ. એ ઉપરાંત ખરીદી કરતી વખતે તમે બાર્ગેન કરેલી રકમ પણ એ બોકસમાં ઊમેરી દો. આ થઈ તમારી બચત.’

તો વર્કિંગ વુમન માટે 50:30:20નો સિક્રેટ ફોર્મ્યુલા એકદમ પરફેક્ટ છે. ચાર્મી કહે છે, ‘ધારો કે, તમે સો રૂપિયા કમાઓ છો તો એમાંથી તમારા ખાવાપીવા, ઇન્સોયરન્સ કે લોનના હપ્તા જેવા કમ્પલસરી ખર્ચા માટે તમે 50 રૂપિયા વાપરો છો. એનિવર્સરી પાર્ટી, ફરવા જવું કે શોપિંગ એટલે કે  લાઇફસ્ટાઇલ એક્સપેન્સિસ માટે 30 રૂપિયા અને બેલેન્સ રહેલા 20 રૂપિયા તમારી બચત થઈ. જેનું તમે યોગ્ય વળતર મળે એ રીતે રોકાણ કરો છો.’

રોકાણની રણનીતિ સમજવા બે વસ્તુનો તફાવત બરાબર સમજી લેવો જરૂરી છે. એક છેઃ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો ડિફરન્સ અને બીજો છેઃ ફાઇનાન્સિયલ લિટરસી અને ફાઇનાન્સિયલ પ્લાનિંગ.

માનો કે, વર્કિંગ વુમનના બેન્કમાં અને હાઉસવાઇફની બરણીમાં દસ હજાર રૂપિયા બચ્યા છે. પણ એ દસ હજારની કિંમત વરસ પછી શું? ચાર્મી કહે છે, ‘બરણીમાંની રકમ વરસ પછી ઇન્ફ્લેશન (મોંઘવારી)ને હિસાબે 9800 જ ગણાશે. અને અહીં જ રોકાણની રણનીતિ કામ કરી જાય છે. આ બચતને તમે એવી રીતે રોકો કે જે ભવિષ્યમાં એ મોંઘવારીને ટપાવી શકે.’

ચાર્મી શાહ

મહેમાનો આવે ત્યારે ઘરની સ્ત્રીઓ મહેમાન નવાઝીમાં ક્યાંય ઊણી નથી ઉતરતી. પણ હસબન્ડે કે પિતાએ પોતાના માટે અને પરિવાર માટે શું કર્યું છે એ વિશેની લિટરસીનું શું? ચાર્મી કહે છે, ‘ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ કે ટેક્સ ફાઇલિંગ બાબતની કોઈ પણ વાતનું ડિસકશન થતું હોય ત્યારે તમને કોઈ ઇનવાઇટ કરે કે ન કરે તમારે ત્યાં જઈને બેસવું જરૂરી જ છે. દાખલા તરીકે, તમારા હસબન્ડે મેડિકલ, લાઇફ કે ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હોય તો એ વિશેની માહિતી સહિત એ એજન્ટના ફોન નંબર તમારા મોબાઇલમાં સેવ થયેલા હોવા જોઈએ. અનફોર્ચ્યુનેટલી, પરિવારના પુરુષને કંઈક થાય કે હોસ્પિટલમાં દાખલ કરે ત્યારે લેડિઝને ખબર જ નથી હોતી કે શું કરવું? ઇમરજન્સી કે ડેથ વખતે પહેલો ફોન ડોક્ટરને તો બીજો ફોન ઇન્સ્યોરન્સ એજન્ટને કરવો જરૂરી છે. આ જ રીતે લગ્ન પછી ફાઇનાન્સ હેન્ડલ કરવા વિશે પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે. સૌથી પહેલાં તમારે મેરેજ સર્ટિફિકેટ રજિસ્ટર કરાવવાનું રહે છે. ત્યાર બાદ પેન કાર્ડ, આધાર કાર્ડમાં નામ ચેન્જ અને પછી બેંક અકાઉન્ટ ઓપન કર્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરો.’

તમારો પૈસો તમારા જ લાભ માટે કામ કરે તો એનાથી રૂડું બીજું શું?

હવે બીજો પાર્ટ છે ફાઇનાન્સિયલ પ્લાનિંગ. દીકરા-દીકરીનાં ઉચ્ચ શિક્ષણ, લગ્ન કે ઘર લેવું જેવી નીડ(જરૂરીયાત) અને ડ્રીમ (સપનું) પ્રત્યેક પરિવાર ધરાવે છે. આવે વખતે તમારી લિમિટેડ કે પર્ટિક્યુલર ઇન્કમમાંથી પૈસો ભેગો કરીને ઉત્તમ વળતર મેળવીને તમારાં ભવિષ્ય માટેનું પ્લાનિંગ એટલે ફાઇનાન્સિયલ પ્લાનિંગ.

ઇક્વીટી, ડેડ ફન્ડ્સ, ગોલ્ડ, સિલ્વર, મ્યુચ્યઅલ ફન્ડ, ઇન્સ્યોરન્સ જેવા માર્કેટમાં અનેક ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ હોય છે. ફાઇનાન્સિયલ પ્લાનરને માર્કેટની આ ગતિવિધિની જાણ હોય છે. જે રીતે ડોક્ટર, સીએ, લોયર જેવા પ્રોફેશનલ પાસે આપણે જઈએ છીએ એ જ રીતે બેસ્ટ ઇનવેસ્ટમેન્ટ માટે ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ લઈ શકાય છે.

તમારી નીડ અને ડ્રીમ્સ તેમ જ તમારા રિસ્ક એપિટાઇટ પ્રમાણે જે-તે પ્રોડક્ટમાં રોકાણ કરાવીને ફાઇનાન્સિયલ પ્લાનર મેક્સિમમ રિટર્ન મેળવી આપે છે.

ચાર્મી કહે છે, ‘તમારી પાસે પૈસો છે, પણ પરિવાર સાથે સમય ગાળવાનો ટાઇમ નથી. અથવા તમારી પાસે પરિવાર છે, પણ પૈસો નથી. તો આ બંને વચ્ચેની પાતળી ભેદરેખાને સમજો. તમારો પૈસો એવી રીતે ઇનવેસ્ટ કરો કે તમે એને ફેમિલી સાથે સ્પેન્ડ કરી શકો. ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડાયનેમિક છે. રોજ નવા રુલ્સ અને નોર્મ્સ આવતા રહેવાને લીધે એક્ટિવ અને એલર્ટ રહેવું પડે. પ્લાન તો બધા ફાઇનાન્સિયલ પ્લાનર કરી આપતા હોય છે, પણ એમાં યુનિકનેસ હોવી જરૂરી છે. અલગ-અલગ ફાઇનાન્સિયલ પ્રોડક્ટનો અભ્યાસ કરીને તમારી અત્યારની પરિસ્થિતિ અને ભવિષ્યની આર્થિક જરૂરિયાત, તમારા ગોલ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી સમજીને તમારો પોર્ટફોલિયો પ્લાન કરવો એ ફાઇનાન્સિયલ પ્લાનરનું કામ છે.’

બેન્ક અકાઉન્ટ માટે એલર્ટનેસ અને રિટાયરમેન્ટનો એન્ગલ

આર્થિક આયોજન કરતી વર્કિંગ વુમને બેંક અકાઉન્ટ બાબતે ખાસ કેરફુલ રહેવું જોઈએ. ફોરમ કહે છે, ‘નોકરી બદલવાની સાથે નવા સેવિંગ અકાઉન્ટ ખોલાય છે. અને ત્યાર પછી એ વધારાના બેન્ક અકાઉન્ટ સામાન્ય રીતે બંધ કરી દેવાતા હોય છે. પણ જો તમે એ બેન્કમાંથી લિન્ક કરીને કોઈ ઇનવેસ્ટમેન્ટ કર્યું હોય અને ભૂલમાં એ અકાઉન્ટ બંધ કરાવી દો તો પૈસા રીડિમ કરતી વખતે સમસ્યા ઊભી થાય છે. આવે વખતે ઇનવેસ્ટમેન્ટ માટેનો એક બેન્ક અકાઉન્ટ સેપરેટ રાખી શકાય અને વધારાના કે નહીં કામના બેન્ક અકાઉન્ટ બંધ કરાવી દેવા જોઈએ.’

આજે સંયુક્ત કુટુંબ ઓછા થતાં જાય છે. બાળકો પણ પરદેશ સેટલ થતા જાય છે. આવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ માટે પણ મહિલાઓએ પ્રિપેર થવાની જરૂર છે. ફોરમ કહે છે, રિટાયરમેન્ટ પછીની મોનેટરી બાબતને લઈને મહિલાઓ બિલકુલ આંખ આડા કાન કરે છે. રિટાયરમેન્ટ પછી તે ઘર-ગૃહસ્થી કે બીજી કોઈ એક્ટિવિટીમાં જાતને બિઝી રાખી શકે છે, તો એની સાથે નાણાંકીય રીતે પણ તે બિલકુલ પાછળ ન રહેવી જોઈએ. એટલે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે મહિલાઓએ રિટાયરમેન્ટના એન્ગલ તરફ પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.’