કર્મચારીઓને સંપૂર્ણ વીમા કવર મામલે ભારતીય કંપનીઓનું ઉદાસીન વલણ

પ્લમ એક કર્મચારી આરોગ્ય વીમા પ્લેટફોર્મ છે. તેણે એના એક અહેવાલની પહેલી આવૃત્તિ બહાર પાડી છે જેનું શિર્ષક છેઃ ‘કર્મચારી લાભોની સ્થિતિ 2023’. આ અહેવાલમાં 2,500થી વધારે નોકરીદાતા-પ્રાયોજિત આરોગ્ય વીમા યોજનાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરના તમામ કદના ઉદ્યોગોને આવરી લેવામાં આવ્યા છે. આમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ભારતીય નોકરીદાતા કંપનીઓ વ્યાપક રીતે લાભ પ્રદાન કરવામાં નિષ્ફળ ગઈ છે. માત્ર પાંચ ટકા ભારતીય સંસ્થાનો જ વ્યાપક વીમા કવરેજ પ્રદાન કરે છે.

પ્લમ સંસ્થાએ ઉક્ત સંસ્થાઓની નીતિઓનું મૂલ્યાંકન કર્યું હતું અને એમનું આ રીતે વર્ગીકરણ કર્યું હતુઃ આરંભિક ચરણવાળી સ્ટાર્ટ-અપ્સ (જ્યાં કર્મચારીઓની સંખ્યા 200થી ઓછી હોય), ઉચ્ચ વિકાસ કરતા ઉદ્યોગો (જ્યાં કર્મચારીઓની સંખ્યા 201-750ની હોય) અને મેચ્યોર તબક્કાની કંપનીઓ (જ્યાં કર્મચારીઓનું સંખ્યાબળ 751 અને વધુ  હોય). 2,500થી વધારે આરોગ્ય વીમા યોજનાઓનું મૂલ્યાંકન કરાતાં એવું માલુમ પડ્યું હતું કે ભારતીય માલિક કંપનીઓ દ્વારા ઓફર કરાતી સરેરાશ વીમા રકમ આ પ્રમાણે છેઃ સ્ટાર્ટ-અપ્સ માટે રૂ. 3 લાખ, ઉચ્ચ વિકાસ કરતી કંપનીઓમાં રૂ. ચાર લાખ અને મેચ્યોર સ્ટેજવાળી કંપનીઓ માટે રૂ. પાંચ લાખ. 53 ટકાથી વધારે સંસ્થાઓ રૂ. પાંચ લાખથી ઓછી વીમા રકમ ઓફર કરે છે, 43 ટકા કંપનીઓ રૂ. 5 લાખથી રૂ. 10 લાખ વચ્ચે વીમા રકમ ઓફર કરે છે અને માત્ર ત્રણ ટકા કંપનીઓ જ 10 લાખ કે તેથી વધારે રકમની વીમા રકમ ઓફર કરે છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે મોટા ભાગની કંપનીઓ એટલે કે 64 ટકા, એમની આરોગ્ય વીમા યોજનાઓમાં આવરી લેવામાં આવેલા લાભોથી વધારે સંખ્યામાં આરોગ્ય લાભ આપે છે. આમાં ટેલીહેલ્થ કન્સલ્ટેશન સૌથી વધારે લોકપ્રિય છે. કર્મચારીઓ માટે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સનું મહત્ત્વ હોવા છતાં પાંચ ટકા કરતાંય ઓછી કંપનીઓ એને એક અધિક લાભ તરીકે જ ઓફર કરે છે. ભારતના કુલ આઉટ-ઓફ-પોકેટ મેડિકલ ખર્ચનો 65 ટકા હિસ્સો ઓપીડી (આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ)માંથી આવતો હોય છે તે છતાં બે ટકાથી પણ ઓછી ભારતીય કંપનીઓ વીમા સાથે ઓપીડી કવરેજ ઓફર કરતી હોય છે.

એવી ચોંકાવનારી બાબત જાણવા મળી છે કે કર્મચારીગણમાં મહિલાઓ નોંધપાત્ર હિસ્સો ધરાવતી હોવા છતાં એમને માલિક કંપનીઓ તરફથી પર્યાપ્ત મેટરનિટી લાભો આપવામાં આવતા નથી. વાસ્તવમાં, માત્ર 56 ટકા ભારતીય કંપનીઓ જ એમની મહિલા કર્મચારીઓને મેટરનિટી લાભો આપે છે. એમાંય માત્ર 14 ટકા કંપનીઓમાં જ મહિલા કર્મચારીઓ માટે મેટરનિટી આર્થિક સહાયતા મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારે રકમની છે.

પ્લમના સહ-સ્થાપક અને સીઈઓ અભિષેક પોદ્દારનું કહેવું છે, ભારતમાં કર્મચારીઓને આરોગ્યના લાભો આપવાની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડવા માટે અમે સ્ટેટ ઓફ એમ્પ્લોઈ બેનીફિટ્સ રિપોર્ટ શરૂ કર્યો હતો. અને તેના તારણો ચિંતા ઉપજાવનારા છે. અમારું માનવું છે કે તમામ કંપનીઓએ એમના કર્મચારીઓ તેમજ એમનાં પરિવારજનોની સંપૂર્ણપણે કાળજી લેવી જોઈએ.

અહેવાલમાં એ બાબત પણ દર્શાવવામાં આવી છે કે એકંદરે 69 ટકા કંપનીઓએ વીમા કવરેજમાં કર્મચારીઓનાં પરિવારજનોને પણ આવરી લીધા છે. પરંતુ આમાંની માત્ર 25 ટકા કંપનીઓએ જ કર્મચારીઓનાં માતા-પિતાને કવર કર્યાં છે. 44 ટકા કંપનીઓ કર્મચારી, એનાં જીવનસાથી અને સંતાન માટે યોજના ધરાવે છે અને 30 ટકા કંપનીઓ માત્ર કર્મચારી પૂરતી જ યોજના ધરાવે છે.

પ્લમ કંપનીઓને સંપૂર્ણ હેલ્થ કવર્સમાં અમુક બાબતોને આવરી લેવાની ભલામણ છે.

કંપનીઓ અને કર્મચારીઓમાં વીમાને લગતી માન્યતા બદલાઈ રહી છે. હવે વીમો માત્ર બેઝિક લાભ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તે ટેલેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો છે. પ્લમ કંપની ગ્રાહકોને કર્મચારીઓ વસ્તી વિષયક તથા માંગના આધારે વીમા યોજના તૈયાર કરવાની સલાહ આપે છે. સ્ટ્રેટેજી અને ઈનોવેશન વિભાગના વડા આદિત્ય બાંગરકાનું હેવું છે કે કોવિડ બાદ વીમા કવરનું મહત્ત્વ વધી ગયું છે.