મલ્ટી એસેટ ફંડ્સ વિષે જાણકારી

મલ્ટી એસેટ ફંડ શું છે? શું તમારે માટે મલ્ટી એસેટ ફંડ્સમાં ઈનવેસ્ટમેન્ટ કરવું યોગ્ય છે?

આપણે બધા જાણીએ છીએ કે ટેક્નોલોજીનાં વિકાસ સાથે માહિતી હવે સરળતાથી ઉપલબ્ધ છે જેને કારણે રોકાણકારો પરંપરાગત વિકલ્પોની સાથે-સાથે વિવિધ એસેટ ક્લાસમાં તેમના રોકાણોને ફાળવવા માટે સક્ષમ બન્યા છે – દા.ત.ફિક્સ્ડ ઈન્કમ, ઇક્વિટીઝ, સોનામાં થતાં રોકાણને થોડા વર્ષો પહેલા ડિજિટાઇઝ્ડ કરવામાં આવ્યા હતાં, અને તાજેતરમાં ચાંદીમાનાં રોકાણને પણ ડિજિટાઇઝ્ડ કરવામાં આવ્યું છે. રોકાણકારો હવે રીઅલ એસ્ટેટમાં પણ રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) દ્વારા ડીજીટલી નાણાં રોકી શકે છે. એક નવો ઉભરતો એસેટ ક્લાસ નામે ડિજિટાઇઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ કે જે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે અને (INVITs) તરીકે ઓળખાય છે; રોકાણકારો આ ડિજિટાઇઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સમાં પણ રોકાણ કરી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે તમામ એસેટ ક્લાસ સ્વભાવે સાયક્લિકલ હોય છે અને એક વ્યક્તિ માટે આ તમામ એસેટ ક્લાસમાં મહત્તમ વળતર સાથે રોકાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓએ હવે મલ્ટી-એસેટ મ્યુચ્યુઅલ ફંડ્સનાં રૂપે સામાન્ય રોકાણકારોને તકઆપી છે અને સામાન્ય રોકાણકારો પણ આ વિવિધ એસેટ ક્લાસનો લાભ લઈ શકે એમ છે. તેથી, ચાલો આજે આ જ વિષે ચર્ચા કરીએ.

મલ્ટી-એસેટ એલોકેશન ફંડ શું છે?

સેબી, (SEBI- સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઑફ ઇન્ડિયા) મલ્ટિ-એસેટ એલોકેશન ફંડને વ્યાખ્યાયિત કરે છે કે એક રોકાણકાર, આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ દ્વારા ઇક્વિટી, ફિક્સ્ડ ઈન્કમ, તેમજ સોના, ચાંદી જેવા કોમોડિટી વર્ગોમાં પણ રોકાણ કરી શકે છે, ઉપરાંત;રીઅલ એસ્ટેટમાં REITs નાં માધ્યમે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સમાં INVITs નાં માધ્યમે રોકાણ કરી શકે છે. આ ફંડનાં માધ્યમે ફક્ત ભારતમાં જ નહીં; પરંતુ વૈશ્વિક સ્તરે પણ આવી તકોમાં રોકાણ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

એસેટ એલોકેશન શા કારણે ચલણમાં આવ્યું?

જે રીતે એક ફંડ મેનેજર દરેક એસેટ ક્લાસની માર્કેટનો જાણકાર હોય; એ રીતે એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની ઇચ્છુક સામાન્ય વ્યક્તિ દરેક માર્કેટથી સારી રીતે વાકેફ ન પણ હોઈ શકે. દરેક એસેટ ક્લાસમાં આવતા બદલાવોને કારણે અને એમને લગતા નાણાકીય જ્ઞાનનાં અભાવને કારણે માર્કેટમાં પ્રવેશવા અને બહાર નીકળવાનું કાર્ય એકદમ જટિલ બની રહે છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પર પણ લાગુ પડે છે. ઘણા શિખાઉ રોકાણકારોને તો એ જ નક્કી કરવું મુશ્કેલ પડે છે કે તેઓએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. આનું કારણ રોકાણકારોના રોકાણનો સમયનો દાયરો અને નાણાકીય લક્ષ્યો નક્કી કરવાની અને જોખમ ઉઠાવવાની ક્ષમતાની આકારણીનો અભાવ હોઈ શકે છે.

જ્યારે ઘણા રોકાણકારોએ ટેક્સના ફાયદા લેવા માટેમ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો પ્રયાસ શરૂ કર્યા ત્યારે જટિલતાનો બીજો દોર શરૂ થયો. રોકાણકારોને મદદ કરવા માટે, રોકાણ વિષયક નિર્ણયો લેવા, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ હાયબ્રીડ મ્યુચ્યુઅલ ફંડ્સની શ્રેણી રજૂ કરી હશે. અહીંથી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં એસેટ એલોકેશનપ્રચલિત થયું કે જ્યારે મ્યુચ્યુયલ ફંડ દ્વારા વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ શરૂ થયું. કોવિડની મહામારીના સમય દરમ્યાન વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની પધ્ધતિ ખૂબ જ વ્યવહારિક સાબિત થઈ. દાખલા તરીકે, જ્યારે ઇક્વિટી ક્લાસને ખૂબ નુકસાન થયું અને ડેટ ક્લાસ અસ્થિર હતા, ત્યારે ગોલ્ડ એસેટ ક્લાસ વૃદ્ધિના સંદર્ભમાં ફાયદાકારક હોવાનું માનવામાં આવતું હતું. આ સમય પછી ઘણા રોકાણકાર તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા જાળવવા તરફ વળતાં જોવા મળ્યા હતાં.

મલ્ટી એસેટ ફંડ્સની જરૂરિયાત:

જેમ તમે પહેલેથી જ જાણતા જ હશો કે ‘એસેટ એલોકેશન’ એટલે એવી રોકાણની યોજના કે જેમાં રોકાણકારનાં જીવનના આર્થિક લક્ષ્યો અને એની જોખમ ખમવાની ક્ષમતાને આધારે વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરવું. તમારા પોર્ટફોલિયોમાં મલ્ટી-એસેટ એલોકેશન ફંડ જેવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાનો ઉમેરો કરવાથી તમારું રોકાણ વિવિધ એસેટ ક્લાસસમાં થવાને કારણે વિવિધતા દ્વારા લાંબા ગાળે એકંદર જોખમ સરભર થઈ શકે છે.

ફાયનાન્સિયલ માર્કેટ અસ્થિરતા (એટલે કે, ઉપર અને નીચે તરફના વલણો) દરમ્યાન કેવી રીતે કામ કરે છે એ જો તમે નોંધ્યું હોય તો તમે એ જાણી શકશો કે જુદી જુદી એસેટ ક્લાસ સમયાંતરે અને દેશનાં અર્થતંત્રમાંના અલગ-અલગ તબક્કાઓ દરમ્યાન જુદી જુદી રીતે પર્ફોર્મ કરતી હોય છે. આવા સંજોગોમાં, દરેક એસેટ ક્લાસની જરૂરિયાત પૂરી કરવા માટે મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ રોકાણકાર માટે એક સારો વિકલ્પ બની શકે.

સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તેમના રોકાણકારોને મલ્ટિ-એસેટ એલોકેશન ફંડનો વિકલ્પ આપે છે. આ સ્કીમ્સનો મુખ્ય ઉદ્દેશ જોખમ અને વળતર વચ્ચે સારું સંતુલન કરવાનો છે. દા. ત. જે સમય દરમ્યાન ઈક્વિટી એસેટ ક્લાસ નબળું વળતર આપતું હોય એવા સમયમાં પોર્ટફોલીયોમાંનું ડેટ ઈનવેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની મૂડીને ઘસાતા બચાવવાનું કામ કરે છે. વધુમાં, મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ સ્મોલ, મીડિયમ અને લાર્જ એમ દરેક કંપનીઓમાં રોકાણ કરતી હોવાથી રોકાણકારને દરેક પ્રકારની કંપનીઓમાં રોકાણ કરવાની તક પણ મળે છે.

ટેક્સેશન :

મલ્ટી એસેટ ફંડ્સ બે પ્રકારે ઓફર કરવામાં આવે છે. ૧) ફંડ ઑફ ફંડ્સ અને ૨) ઓપન એન્ડેડ ફંડ. જોકે બંનેનો ઉદ્દેશ ઘણો સરખો છે; પણ રોકાણ કરવાની પદ્ધતિ બંનેમાં અલગ છે. ફંડ ઑફ ફંડ્સ વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરે છે જ્યારે મલ્ટી એસેટ ફંડ્સ વિવિધ એસેટ ક્લાસમાં સીધું રોકાણ કરે છે. બીજો મહત્વનો તફાવત એછે કે ફંડ ઑફ ફંડ્સ ડેટને લગતા કરવેરા આકર્ષિત કરે છે જ્યારે ઓપન એન્ડેડ ફંડ ઇક્વિટીને લગતા કરને આકર્ષિત કરે છે.

જ્યારે નવા રોકાણકારોને મલ્ટી-એસેટ ફંડ યોજનાઓમાં રોકાણ કરવાની સલાહ પ્રથમ વખત આપવામાં આવે ત્યારે રોકાણ કરતા પહેલા નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં સમજદારી છે. મલ્ટી-એસેટ ફંડની રોકાણની વ્યૂહરચના તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા એટલે કે રિસ્ક પ્રોફાઇલ સાથે સુસંગત હોવી જોઈએ. જો આમ ન થાય તો કરેલું રોકાણ તમને તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં. આ યોજનાઓનું સંચાલન નાણાકીય નિષ્ણાતો હોય એવા ફંડ મેનેજર્સની ટીમ દ્વારા કરવામાં આવે છે અને તેઓ અર્થતંત્ર તેમજ વિવિધ એસેટ ક્લાસનો ટ્રેક રાખે છે, તે રોકાણકારો માટે ફાયદાકારક હોઈ શકે છે. આ ઉપરાંત, રોકાણ કરવાનું પસંદ કરતા પહેલા રોકાણકારોએ પોતાનાં આર્થિક લક્ષ્યો કેટલા સમયમાં મેળવવાના છે એ સાથે પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અથવા પોતાના વિશ્વસનીય રોકાણ સલાહકારની સલાહ લઈને આવા ફંડોમાં રોકાણ કરવું જોઈએ.

(રાજેન્દ્ર ભાટીયા)

(લેખક અર્થશાસ્ત્ર ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના MD છે. એમનું ઈ-મેઇલ એડ્રેસ : rb@aarthshashtra.com)