જિઓ સાથેની ડીલ તૂટી જતાં અનિલ અંબાણીએ નાદારી નોંધાવી

નવી દિલ્હીઃ અનિલ અંબાણી હસ્તકની ટેલિકોમ કંપની R.Comએ પોતાના ઉપર રહેલા 46000 કરોડનું દેવું ન ચૂકવી શકવા ઉપરાંત મુકેશ અંબાણીની જિઓને પોતાની કંપનીના નામે રહેલું સ્પેક્ટ્રમ ન વેચી શકવાના કારણે નાદારી નોંધાવી છે. કંપનીને દેવાળીયા જાહેર કરવા માટે નાદારી નોંધાવવાની આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે એક સપ્તાહ પહેલા સ્વીડિશ નેટવર્ક જાયન્ટ એરિક્સને સુપ્રીમ કોર્ટમાં અનીલ અંબાણીની ધરપકડ કરવામાં આવે તે બાબતની અરજી કરી હતી. એરિક્સને અનીલ અંબાણીની કંપની Rcom પર 550 કરોડ રુપિયાનું દેવું ન ચૂકવી શકવાનો આરોપ લગાવ્યો છે. સાથે સાથે સર્વોચ્ચ કોર્ટના આદેશને પણ માનવામાં ન આવ્યો હોવાનું અરજીમાં જણાવાયું છે.

નાદારી નોંધાવવાની જાહેરાત સાથે Rcomના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કંપનીની બોર્ડ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે કંપની NCLT મુંબઈ દ્વારા ફાસ્ટટ્રેક કેસ ચલાવવા માગે છે અને બોર્ડને આશા છે કે નાદારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થવાથી તમામ સ્ટેકહોલ્ડર્સને યોગ્ય ન્યાય મળશે અને નિયમો મુજબ 270 દિવસમાં અંતિમ, પારદર્શક અને સમય-મર્યાદિત રીતે વ્યાપક દેવાનું નિરાકરણ કરવામાં આવશે.’

2 જૂન, 2017ના રોજ વ્યૂહાત્મક રીતે ઋણ ચૂકવણીના પ્લાનની જાહેરાત બાદ કંપનીનું બોર્ડ તેની સમીક્ષા કરવા માટે મળ્યું હતું. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે, ‘બોર્ડે નોંધ્યું કે ઋણ ચૂકવણી પ્લાન બની ગયા પછી પણ 18 મહિનાનો સમય થઈ ગયો તેમ છતા કંપનીના લેણદારોને ચૂકવવાનો એકપણ રુપિયો હજુ સુધી ચૂકવાયો નથી તેમજ સમગ્ર પ્રોસેસમાં હજુ આગળના તબક્કો જ શરુ કરવામાં આવ્યો નથી.’ Rcomએ જણાવ્યું કે ઋણ ચુકવણી માટે કંપનીના એસેટ્સ વેચવા અનેક પ્રોપઝલ મુકવામાં આવી હતી પરંતુ કોઈ એક પ્રપોઝલ પર કંપનીના તમામ 40 લેણદારોની 100% મંજૂરી શક્ય બનતી નથી. પાછલા 12 મહિનામાં આ માટે લેણદારો સાથે 45 બેઠકો આ માટે કરી હતી. તેમજ સ્પેક્ટ્રમના વેચાણ મામલે ટેલિકોમ વિભાગ તરફથી કાયદાકીય પડકરો અને અન્યો દ્વારા સતત દાવાઓના કારણે કંપનીએ નાદારી નોંધાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

આ અંગે ટેલીકોમ વિભાગે જણાવ્યું હતું કે, ‘કોઈપણ નવા ખરીદરનારને આવી કોઈ છૂટ આપવાનો સવાલ જ ઉભો થતો નથી. આ જાહેર જનતાના રુપિયા છે અને સ્પેક્ટ્રમ જેમની પણ પાસે હોય તેમની પાસેથી અમે એક એક પૈસો પરત મેળવીશું. આ કેસમાં Rcom જે કોર્પોરેટ ગરંટી આપી રહ્યું છે તે પૂરતી નથી.’ જે બાદ આ ડીલ પડી ભાંગી હતી.

Rcomમાં રોકાણ કરનાર સ્વીડિશ કંપની એરિક્સને પણ Rcom વિરુદ્ધ કાયદાકીય લડત શરુ કરી દીધી છે. કોર્ટમાં થયેલા સેટલમેન્ટ મુજબ કંપનીના કૂલ લેણાં રકમ 1600 કરોડથી ઘટાડીને રુ. 550 કરોડનામાં સમાધાન કરવા તૈયારી દર્શાવી હતી. જોકે ગત વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં Rcom એકપણ રુપિયો ન ચૂકવતા એરિક્સન ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને અનિલ અંબાણી વિરુદ્ધ કોર્ટના અનાદરનો કેસ પણ દાખલ કર્યો હતો. જોકે Rcom દ્વારા નાદારી નોંધાવવામાં આવ્યા બાદ એરિક્સન અને ટેલિકોમ વિભાગ હાલ ક્યા પગલા ભરવા તે અંગે રિવ્યુ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]