ઉંઝાઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું…

ઉંઝાઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના આ ધારાસભ્યએ રાજીનામુ આપતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે અને લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે આજે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના નિવાસસ્થાને જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

આશા પટેલે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ આશા પટેલે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ નીવડ્યાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેમણે કોંગ્રેસમાં જૂથવાદ- આંતરિક વિગ્રહ ચરમસીમાએ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ જાતિ અને ધર્મના નામે લડાવવામાં માને છે.

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય આશાબેને રાજીનામા આપ્યા બાદ ભાજપની પ્રશંસનીય કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે 10 ટકા અનામત મામલે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, મેં વારંવાર રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી છે પરંતુ કોઇ જવાબ ન મળતા મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. આશાબેને કહ્યું કે, કોંગ્રેસની મીટિંગોમાં બેસવાની ખુરશી પણ હોતી નથી. તેમણે જ્યારે ભાજપમાં જોડાવવા અંગે પુછતા તેમણે કહ્યું કે, હાલ મારે કોઇ પક્ષ સાથે ડીલ થઇ નથી.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સૂત્રો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પક્ષમાં સતત ડૉ. આશા પટેલની સતત અવગણના કરવામાં આવતી હતી, જેથી તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા હતા.

ઉંઝા એપીએમસીની આગામી એપ્રિલ માસમાં ચૂંટણી યોજાનાર છે. જેથી બન્ને પક્ષો હાલ ચૂંટણીને લઇને સતર્ક થઇ ગયા છે. મહત્વનું છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આશાબહેનને ટિકિટ આપી હતી. તેઓ ભાજપના નારાયણભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યાં હતાં.