નવી દિલ્હી: પહેલા ગગનચૂંબી સફળતા અને પછી એકાએક જમીનદોસ્ત આ વાત રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પર એકદમ ફિટ બેસે છે. આજથી 11 વર્ષ પહેલા વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી અમીર વ્યક્તિ રહેલા અનિલ અંબાણીનું આજે કહેવું છે કે, તેમની પાસે બાકી ઋણ ચૂકવવા માટે ફૂટી કોડી પણ નથી. તેમની એક પછી એક કંપનીઓ દેવુ ચૂકવવા માટે નાદાર જાહેર થઈ રહી છે. કંપનીઓના શેર પણ 90 ટકા સુધી નીચે પટકાયા છે. બીજી તરફ તેમના ભાઈ મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.
છેવટે કેવી રીતે મુકેશ અંબાણી એક પછી સફળતા મેળવતા ગયા અને કેવી રીતે પાછળ રહી ગયા અનિલ અંબાણી?
પિતાના નિધન પછી શરુ થયો વિવાદનો વંટોળ
ઉદારીકરણના સમયમાં બદલાતી જતી ટેકનિક છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નવી ઉંચાઈઓ પર લઈ જનારા ગ્રુપના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીનું વર્ષ 2002માં નિધન થયું. બન્ને ભાઈઓ વચ્ચે વિવાદ અંતે ભાગલામાં પરિણમ્યો. 2007માં અનિલ અંબાણી પાસે 45 અબજ ડોલર અને મુકેશ અંબાણી પાસે 49 અબજ ડોલરની સંપત્તિ હતી.
જ્યારે સંપત્તિના ભાગલા પડ્યા ત્યારે મુકેશના ભાગમાં પરંપરાગત બિઝનેસ જેમ કે પેટ્રોલિયમ કંપનીઓ આવી તો અનિલ અંબાણીના હિસ્સામાં ટેલિકોમ સેક્ટરની મહત્વની કંપનીઓ આવી. એ સમયે ભારતમાં ટેલિકોમ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો હતો અને માનવામાં આવતું હતુ કે, ભવિષ્યમાં અનિલ અંબાણી બિઝનેસમાં તેનો સિક્કો જમાવી શકશે, પણ તેમની આ આશા અધૂરી જ રહી ગઈ.
અનિલ અંબાણીની કુલ સંપત્તિનો 66 ટકા હિસ્સો રિલાયન્સ કોમ્યુનિકેશનમાં હતો, પણ બદલાતા સમય સાથે આ કંપનીઓને તે આગળ ન વધારી શક્યા. 2010માં રિલાયન્સ કોમ્યુનિકેશનની જીટીએલ ઈન્ફ્રા સાથેની ડીલ વચ્ચે જ અટકી ગઈ છતાં પણ અંબાણીએ 3જી, અંડર-સી કેબલ અને નેટવર્કના વિસ્તાર માટે રોકાણ ચાલુ રાખ્યું. ત્યારપછી વર્ષ 2017માં કંપનીની એરસેલ સાથે મર્જરની ડીલ પણ નિષ્ફળ રહી. એક તરફ કંપનીએ સતત સીડીએમએની 2જી અને 3જી ટેકનીકમાં જોરદાર રોકાણ કર્યું, પણ 4જીની એન્ટ્રીને કારણે 2018માં અચાનક જ આ બિઝનેસમાંથી નીકળવાની જાહેરાત કરી દીધી. જેને પગલે અનિલ અંબાણીની કંપનીએ એક ઝાટકે અંદાજે 8 કરોડ ગ્રાહકો ગૂમાવવાનો વારો આવ્યો.
અનિલ અંબાણી પાસે રિલાયન્સ કોમ્યુનિકેશન ઉપરાંત ફાઈનાન્શિયલ સેક્ટરમાં કામ કરતી રિલાયન્સ કેપિટલ અને ઉર્જા કંપની રિલાયન્સ એનર્જી પણ હતી. રિલાયન્સ કોમ્યુનિકેશનમાં થયેલા નુકસાનની અસર આ કંપનીઓ પર પડી અને તે સતત દેવાના ડુંગર હેઠળ દબાતી ગઈ. ભાગલા પછી અનિલ અંબાણીએ સૌથી મોટું રોકાણ મનોરંજન(entertainment) સેક્ટરમાં કર્યું હતું. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ નામથી કંપની પણ બનાવવામાં આવી પણ સતત અસફળ ટેકઓવરને પગલે નુકસાન વેઠવાનો જ વારો આવ્યો.
નાન ભાઈની એગ્ઝિટ અને મોટાભાઈની જિયો સાથે ધમાકેદાર એન્ટ્રી
એક તરફ અનિલ અંબાણીએ 2018માં ટેલીકોમ સેક્ટરમાંથી પોતાનો બિઝનેસ સંકેલી લીધો તો બીજી તરફ મોટાભાઈ મુકેશ અંબાણીએ ફરી એક વખત ટેલીકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો સાથે ધમાકેદાર એન્ટ્રી કરી. રિલાયન્સ જિયો સાથે ન માત્ર તેમણે ટેલીકોમ પણ એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં પણ મોટી એન્ટ્રી મારી. શરુઆતના મહિનાઓમાં દિગ્ગજ ટેલીકોમ કંપનીઓને પાછળ રાખી મોટા રોકાણ પછી જિયો નફા તરફ આગળ વધતી ગઈ.
વેપારની દુનિયામાં કેટલી ઝડપે અનિલ અંબાણીએ પોતાનું સ્થાન ગુમાવ્યું એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, માત્ર 6 મહિનામાં તેમની મૂડી અંદાજે 75 ટકા ઘટી ગઈ. જૂનથી લઈને ડિસેમ્બર 2019 દરમ્યાન તેમની ઈક્વિટી વેલ્થ 3651 કરોડ રુપિયાથી પટકાઈને 970.10 કરોડ રુપિયા પર આવી ગઈ છે.
