નવી દિલ્હીઃ દેશનાં સૌથી શ્રીમંત મહિલા સાવિત્રી જિંદાલે દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને માત આપી છે. વર્ષ 2023માં જિંદાલની અસ્ક્યામતોમાં વધારો થયો છે કે તેમણે અંબાણી અને અદાણી સહિત અનેક બિઝનેસમેનોને પાછળ ધકેલ્યા છે.
બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ સાવિત્રી જિંદાલની અસ્ક્યામતો એક વર્ષમાં 9.6 અબજ ડોલર વધી ગઈ છે. હવે તેમની કુલ અસ્ક્યામતો 25 અબજ ડડોલરને પાર પહોંચી છે. જેથી તે દેશના ટોચના પાંચ શ્રીમંતોમાં સામેલ થયાં છે. તેમણે વિપ્રોના અઝીમ પ્રેમજીને પાછળ છોડતાં પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું. અઝીમ પ્રેમજીની સંપત્તિ 24 અબજ ડોલર છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં પાંચ બિલિયન ડોલરનો વધારો થયો છે અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મિલકત 35.4 અબજ ડોલર ઘટી છે.
જિંદાલ પછી બીજા ક્રમાંકે HCL ટેક્નોલોજીસના સ્થાપક અને ચેરમેન એમેરિટ્સ શિવ નાદર છે, જેમની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં આઠ અબજ ડોલર વધી છે. DLFના કેપી સિંહની સંપત્તિ આ દરમ્યાન સાત અબજ ડોલર સુધી વધી ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને શાપુરજી પાલનજી ગ્રુપના શપૂર મિસ્ત્રીની સંપત્તિમાં 6.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. એ સિવાય સુનીલ મિત્તલ, એમપી લોઢા, રવિ જયપુરિયા, દિલીપ સંઘવી સહિત અનેક બિઝનેસમેનોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
કોણ છે સાવિત્રી જિંદાલ?
સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન એમિરેટ્સ છે. આ કંપનીનો પ્રારંભ તેમના પતિ ઓમ પ્રકાશ જિંદાલે કરી હતી. તેમની કંપની JSWની સ્ટીલ ઇન્ડસ્ટ્રી પર સારીએવી પકડ છે.