સૌપ્રથમ મહિલાઃ અલકા મિત્તલના હાથમાં ONGCનું સુકાન

નવી દિલ્હીઃ એનર્જી ક્ષેત્રની દિગ્ગજ કંપની ONGCના ડિરેક્ટર (HR) ડો. અલકા મિત્તલને સોમવારે કંપનીના ચેરમેન અને MD (CMD)નો વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. અલકા દેશની સૌથી મૂલ્યવાન PSU ONGCનાં વડાં બનનારી પહેલી મહિલા છે. ONGCના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુભાષકુમાર 31 ડિસેમ્બર, 2021એ નિવૃત્ત થયા હતા.  

સામાન્ય રીતે સરકાર કોઈ પણ જાહેર ક્ષેત્રની કંપનીના ડિરેક્ટર અથવા ચેરમેનના નિવૃત્ત થવાના કમસે કમ બે મહિના પહેલાં તેમના ઉત્તરાધિકારીની ઘોષણા કરી દે છે, પણ ONGCના મામલે આવું નહીં થયું. જેથી કંપની 48 કલાકથી વધુ સમય સુધી વડા વગર કામગીરી કરતી રહી. કુમાર ONGCના ડિરેક્ટર-નાણાં વિભાગના હતા અને તેઓ ગયા વર્ષના એપ્રિલથી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. કંપનીના પૂર્ણ સમયના વડા શશિ શંકર 31 માર્ચ, 2021એ નિવૃત્ત થયા હતા.તેમના સ્થાને કોઈની પસંદગી નહોતી કરવામાં આવી. કંપનીના ડિરેક્ટર બોર્ડમાં સૌથી વરિષ્ઠ કુમારને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

ડો. અલકા મિત્તલની પાસે અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવેલી છે અને તેમની પાસે MBA (HRM)ની ડિગ્રી છે.  તેમણે કોમર્સ અને બિઝનેસ સ્ટડીઝમાં ડોક્ટરેટ પણ કરેલું છે. કંપનીની વેબસાઇટ મુજબ મિત્તલ 1985માં ગ્રેજ્યુએટ ટ્રેઇની તરીકે ONGCમાં જોડાયાં હતા. મિત્તલ નવેમ્બર, 2018માં ONGCમાં ડિરેક્ટર (HR) છે અને કંપનાના ઇતિહાસમાં પૂર્ણ સ્વરૂપના ડિરેક્ટરનું પદ સંભાળનાર પહેલી મહિલા છે.