વચેટિયા, ટ્રેડર્સ દ્વારા કપાસમાં ખેલાતા સટ્ટાથી નિકાસકારો પરેશાન

કોઇમ્બતુરઃ કાપડ ક્ષેત્રે કપાસની કિંમતો કૂદકે ને ભૂસકે વધી રહી છે. કપાસની કિંમતો હાલમાં ઓલ ટાઇમ ઊંચી સપાટીએ પહોંચી હતી, જેથી કપાસ ઉગાડતા ખેડૂતો ખુશ છે, પણ નિકાસકારો ઊંચી કિંમતોથી હેરાન-પરેશાન છે, કેમ કે તેમના પડતર ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેથી તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિયેશને (TEAએ) કાપડપ્રધાન પીયૂષ ગોયલને હસ્તક્ષેપ કરવા અને નિટવેર ગારમેન્ટ સેક્ટરને રક્ષણ આપવાની માગ કરી છે. એસોસિયેશનને સોમવારે વચેટિયાઓ અને ટ્રેડર્સ પર કપાસની આવકની મોસમમાં કપાસની કિંમતોને ઊંચી લઈ જવાના આરોપ મૂક્યા છે. કપાસની આયાત પર લાગતી 11 ટકાની આયાત ડ્યૂટી, સ્થાનિક કપાસની કિંમતોમાં વધારા અને નોંધપાત્ર નફો રળવા માટે આ ક્ષેત્રે સટ્ટો કરતી કાર્ટેલને જવાબદાર ઠેરવતાં ટેક્સટાઇલપ્રધાનને એક પત્ર લખીને હસ્તક્ષેપ કરવા માગ કરી છે.

કપાસમાં થયેલો ભાવવધારો ગારમેન્ટ- નિકાસ કરતા યુનિટ પર ભારે અસર કરે છે અને નિકાસ પર તેમ જ રોજગારી પર પણ પ્રતિકૂળ અસર પાડે છે, જેથી MSME ગારમેન્ટ યુનિટને બચાવવા માટે TEAના પ્રમુખ રાજા એમ. ષણમુગમએ પત્રમાં પીયૂષ ગોયલને આજીજી કરી હતી. અમારી મુખ્ય માગ કપાસ પર લગાવવામાં આવેલી ડ્યુટીને તત્કાળ દૂર કરવાની અને ગારમેન્ટ સેક્ટરનું રક્ષણ કરવાની છે.

આ ઉપરાંત તેમણે કપાસમાં થતી કાર્ટેલને તોડવા માટે અને નિકાસ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે કાપડ ક્ષેત્રે નિકાસ સહિત વિકાસનાં પ્રોત્સાહક પગલાં લેવા માટે પ્રધાનનો આભાર માન્યો હતો. એસોસિયેશને હંમેશાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેમની ઊપજના વધુ ભાવ મળે એ માટે ટેકો પૂરો પાડ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે એસોસિયેશને વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસની ઉત્પાદકતા દ્વારા વધુ પાક લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.