તેજીની હેટટ્રિકઃ રોકાણકારોની સંપત્તિમાં 5.36 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં તેજીની હેટટ્રિક થઈ હતી. ત્રણ દિવસની આગઝરતી તેજીથી નિફ્ટી 17,800ને પાર થયો હતો. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.36 લાખ કરોડનો વધારો થયો હતો. વૈશ્વિક બજારોમાં તેજીને પગલે ઘરેલુ માર્કેટમાં પણ તેજી થઈ હતી. BSE સેન્સેક્સ મંગળવારે 673 પોઇન્ટ વધીને 58,855.93ની સપાટીએ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 180 પોઇન્ટ ઊછળી 17,805.25ની સપાટી બંધ આવ્યો હતો. સેન્સેક્સમાં નવા વર્ષના પ્રારંભે સોમવારે 929.40નો ઉછાળો આવ્યો હતો.

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 5,36,139.91 કરોડ વધીને રૂ. 2,71,36,351.46 કરોડે પહોંચ્યું હતું.

રિલાયન્સ અને બેન્ક શેરોની આગેવાની હેઠળ પીએસયુ, સુગર શેરો અને ફર્ટિલાઇઝર શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. FMCG શેરોમાં પણ ધૂમ લેવાલી થઈ હતી. જોકે સ્મોલ અને મિડકેપ શેરોમાં સ્ટોક સ્પેસિફિક કામકાજ થયાં હતાં. મિડકેપ ઇન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.39 ટકા વધ્યો હતો.

નિફ્ટીના હેવીવેઇટ એનટીપીસી, ઓએનજીસી અને પાવરગ્રિડમાં તેજી થઈ હતી, જ્યારે ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા અને ટાટા કન્ઝ્યુમરમાં નફારૂપી વેચવાલી થઈ હતી.  

હાલ નિફ્ટીનું વેલ્યુએશન બહુ વધુ છે, જેથી એમાં ઘટાડાની શક્યતા છે. ઘરેલુ શેરબજારોમાં રિટેલ રોકાણકારો નફારૂપી વેચવાલી કરે એવી શક્યતા છે, કેમ કે તેમને જો યોગ્ય વળતર નહીં મળે તો તેઓ શેરોમાં નફો બુક કરે એવી શક્યતા છે, એમ UBS એજીના એનાલિસ્ટે જણાવ્યું હતું.