બજેટઃ મોદી શુક્રવારે અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્ર પૂર્વે દેશના ટોચના અર્થશાસ્ત્રીઓ સાથે આવતા શુક્રવારે અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે વર્ચ્યુઅલ બેઠકમાં ચર્ચા કરવાના છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે અનેક મોરચે અનિશ્ચિતતા સર્જાઈ છે તેથી દેશનો આર્થિક વિકાસ કેવી રીતે વધારી શકાય એ મુદ્દે પણ ચર્ચા થશે.

આ બેઠકનું આયોજન કેન્દ્ર સરકારની નીતિવિષયક સંસ્થા નીતિ આયોગ દ્વારા કરવામાં આવશે. એમાં નીતિ આયોગના વાઈસ-ચેરમેન રાજીવ કુમાર અને સીઈઓ અમિતાભ કાંત પણ હાજરી આપશે. બેઠકમાં વડા પ્રધાન મોદી આગામી બજેટ માટે અર્થશાસ્ત્રીઓ પાસેથી એમના સૂચનો માગશે. વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરાય એવી ધારણા છે. વર્ષ 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર 4.2 ટકા હતો.