મોંઘવારીનો વધુ એક માર: ડુંગળી પછી હવે ખાદ્યતેલના ભાવમાં ભડકો

નવી દિલ્હી: ડુંગળી અને લસણ પછી હવે ખાદ્ય તેલ પર પણ મોંઘવારીનો માર પડવાનો છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પામ તેલની કિંમતોમાં પ્રતિ લિટર 20 રુપિયાનો વધારો થયો છે. આ વધારો 35 ટકાથી વધારે છે. છેલ્લા બે મહિનામાં પામ તેલની કિંમતોમાં થઈ રહેલી વૃદ્ધિને પગલે તમામ પ્રકારના ખાદ્ય તેલની કિંમતો વધી ગઈ છે.

ઓઈલ સીડ માર્કેટના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખાદ્ય તેલની કિંમતોમાં આ વધારો મોંઘી આયાતને કારણે થયો છે. હકીકતમાં આંતરાષ્ટ્રીય માર્કેટ જેમકે મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામ તેલની આયાત ઊંચી કિંમતો પર કરવામાં આવી રહી જેની અસર ભારતીય ખાદ્ય તેલના માર્કેટ પર જોવા મળી રહી છે. હવે દેશના કૃષિ ક્ષેત્ર પર મોટી આશા રાખવામાં આવી રહી છે. સાર ઉત્પાદનને પગલે ભાવ ધટી શકે છે.

સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતા એ જણાવ્યું કે, ખેડૂતોને હવે તેલીબિયાંના સારા ભાવો મળી રહ્યા છે જે ખેડૂતોને તેલીબિયાંની ખેતી માટે પ્રોત્સાહિત કરશે. તેલીબિયાંનું ઉત્પાદન વધવાથી ખાદ્ય તેલની વધતી જતી કિંમતો પર અંકુશ આવી શકે છે. મહત્વનું છે કે, વિશ્વમાં ખાદ્યતેલની આયાત ભારત કરે છે. ભારતમાં ખાદ્યતેલની માગને પામ તેલની આયાત મારફતે પૂરી કરવામાં આવે છે. આ ઉપરાત આ વર્ષે વરસાદને કારણે સોયાબીનના પાકને થયેલા નુકસાન પણ ખાદ્ય તેલની કિંમતોના વધારા પાછળ જવાબદાર છે.

નિષ્ણાતોએ જણાવ્યું કે, આ વર્ષે ભારે વરસાદને કારણે સોયાબીનના પાકને મોટાપાયે નુકસાન થયું. જેની અસર ખાદ્ય તેલની કિંમતો પર સ્પષ્ટ જોવા મળી રહી છે. જાણકારોનું માનીએ તો હવે આગામી રવીપાક સિઝન પર આશા મંડાયેલી છે. એટલું જ નહીં અર્જેન્ટીના સોયા તેલની આયાત પર ટેક્સ દર વધારી દીધો છે જેની અસર પણ ખાદ્ય તેલના બજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.