નવી દિલ્હીઃ કોરોનાને લીધે અનેક તહેવારોમાં વિક્ષેપ પડ્યા પછી હવે હોળીનો તહેવાર પણ ફિક્કો રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાંક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, જે પછી હોળીના તહેવાર પર સરકારે નિયંત્રણો લાદ્યાં છે. દિલ્હી સહિત દેશભરમાં જાહેર જગ્યાએ હોળીની ઉજવણી પર પ્રતિબંધ છે, જ્યારે કેટલીક જગ્યા પર લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું છે. પહેલાં દિવાળી અને હવે હોળી પર પ્રતિબંધથી વેપારીઓનાં કામકાજ પર ગંભીર પ્રતિકૂળ અસર પડશે.
દર વર્ષે ચીનથી હોળી પર આપણે ત્યાં આશરે રૂ. 10,000 કરોડનો માલસામાન આયાત થાય છે, પણ આ વર્ષે વેપારીઓએ ચીની સામાનની જગ્યાએ દેશી સામાનને પ્રાથમિકતા આપી છે. હોળીની ઉજવણી પર પ્રતિબંધ પછી વેપારીઓને ત્યાં માલભરાવો થયો છે, જેથી તેઓ ચિંતામાં છે. વેપારીઓને ચિંતા છે કે લોકો બહાર નહીં નીકળે અને હોળીની ઉજવણી નહીં કરે તો તેમનો સામાન કોણ ખરીદશે?
કોરોનાના કેસોમાં વધારો થતાં કેન્દ્રએ રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંક્રમણ રોકવાના ઉપાયો કરવા નિર્દેશ આપ્યા છે, જેથી બધાં રાજ્યોએ હોળીની ઉજવણી પર ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ લાદી ચૂક્યાં છે અથવા તૈયારીમાં છે.
કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ વર્ષે રંગ, ગુલાલ અને હોળીનાં રમકડાં અને પિચકારીના વેચાણમાં વેપારીઓને ભારે નુકસાન ઉઠાવવું પડશે. એકલા દિલ્હીમાં આશરે 3000 નાના-મોટા આયોજન થતા હોય છે, જ્યારે દેશભરમાં નાના-મોટા સમારોહની સંખ્યા 40,000ની આસપાસ હોય છે. હવે હોળીનું હુલ્લડ પણ નહીં થાય અને નહીં થાય રંગોની મસ્તી. આ સિવાય જ્યારે કોઈ સામાજિક કાર્યક્રમ પણ નહીં થાય અને લોકોને ઘરોમાં રહેવું પડશે. હોળીના તહેવારે થતી ખરીદદારીમાં ભારે ઘટાડો આવ્યો છે અને બજાર સૂમસામ પડ્યાં છે.