દેશના 6 એરપોર્ટના સંચાલન માટે અદાણી ગ્રુપ સરકારને 3 લાખ કરોડ રૂપિયા ચૂકવશે

નવી દિલ્હી – અમદાવાદસ્થિત અદાણી ગ્રુપ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ અંતર્ગત દેશમાં છ વિમાનમથકોનું સંચાલન કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને રૂ. 3 લાખ કરોડ ચૂકવશે.

અદાણી ગ્રુપે અમદાવાદ, જયપુર, લખનઉ, તિરુવનંતપુરમ, ગુવાહાટી અને મેંગલુરુ વિમાનીમથકોનું સંચાલન કરવા માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. તે નાણાકીય બિડ્સ 25 ફેબ્રુઆરીએ જાહેર કરાયા હતા.

બોલી લગાવનારે પેસેન્જર દીઠ દર્શાવેલી સૌથી ઊંચી રકમની ફીના આધારે બિડ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

અદાણીએ અમદાવાદ માટે પ્રતિ પેસેન્જર દીઠ રૂ. 177, જયપુર માટે પ્રતિ પેસેન્જર રૂ. 174, લખનઉ માટે રૂ. 171, ગુવાહાટી માટે રૂ. 160, તિરુવનંતપુરમ માટે રૂ. 168 અને મેંગલુરુ માટે રૂ. 115ની સૌથી ઊંચી બોલી લગાવી હતી.

આ છ એરપોર્ટ ખાતે વિમાનસેવા તથા વહીવટીય કામગીરી અદાણી એન્ટરપ્રાઈઝીસ સંભાળશે. હાલ આ કામગીરી અને વહીવટ AAI છેલ્લા 50 વર્ષથી સંભાળે છે.

આઈએએનએસ સમાચાર સંસ્થાએ મેળવેલા દસ્તાવેજો અનુસાર, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી એન્ટરપ્રાઈઝીસ કંપની AAIને આશરે રૂ. 3,15,000 કરોડ ચૂકવશે. અદાણી સામે બીજા નંબરની સૌથી બોલી લગાવાઈ હતી, રૂ. 2,60,000 કરોડની.