અમદાવાદઃ દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડની સબસિડિયરી કંપની અલિપુરદુઆર ટ્રાન્સમિશન લિ.ને 1,286 કરોડ રૂપિયામાં હસ્તગત કરશે. કંપનીએ આ હસ્તાંતરણ કરવા માટે ટ્રાન્સમિશન સર્વિસ કરાર અને શરતી મંજૂરીઓના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે આ હસ્તાંતરણ જરૂરી નિયમનકારીઓની મંજૂરીઓને આધીન રહેશે અને આ હસ્તાંતરણ થોડાક મહિનાઓમાં પૂરું કરવામાં આવે એવી ધારણા છે.
ATLનું નેટવર્ક 15,400 સર્કિટ કિલોમીટર સુધી પહોંચશે
આ હસ્તાંતરણની સાથે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનું એકંદર નેટવર્ક આ એસેટ સહિત 15,400 સર્કિટ કિલોમીટરે પહોંચશે. આમાંથી 12,200થી વધુ સર્કિટ કિલોમીટરની અસ્ક્યામતો હાલમાં કાર્યરત છે અને 3200 કિલોમીટર સર્કિટ કિલોમીટર અમલીકરણના વિવિધ તબક્કે છે. સંચાલનના આ વ્યાપ સાથે ATLનું દેશની સૌથી મોટી ખાનગી કંપની તરીકેનું સ્થાન વધુ મજબૂત થશે.
MD અને CEOનું નિવેદન
ATLના MD અને CEO અનિલ સરદાનાના જણાવ્યા મુજબ અલિપુરદુઆર ટ્રાન્સમિશન લિ.ને હસ્તગત કરવાને કારણે ATLની દેશવ્યાપી હાજરીમાં વધારો થશે અને દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની તરીકેનું સ્થાન વધુ મજબૂત થશે. કંપની વર્ષ 2020 સુધીમાં 20,000 સર્કિટ કિલોમીટરની એસેટ સ્થાપવાનો જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, એની ખૂબ નજીક લઈ જશે.
પ. બંગાળ અને બિહારમાં 650 સર્કિટ કિલોમીટર લાઇનનું સંચાલન કરતી ATL
અલિપુરદુઆર ટ્રાન્સમિશન લિ. આશરે કુલ 650 સર્કિટ કિલોમીટરની લાઇનોનું સંચાલન કરે છે. કંપનીને આ પ્રોજેક્ટ બીલ્ડ, ઓન ઓપરેટ અને મેઇનટેઇનન્સના ધોરણે સોંપવામાં આવ્યો છે. અલિપુરદુઆરથી સિલિગુરી સુધીની લાઇનનું કામકાજ 20 જાન્યુઆરી, 2020થી કાર્યરત કરવામાં આવ્યું હતું, જ્યારે કિશનગંજથી દરભંગા સુધીની લાઇનનું એલિમેન્ટ છઠ્ઠી માર્ચ, 2019ના રોજથી કાર્યરત કરવામાં આવ્યું હતું.
કંપનીના 30 લાખ ગ્રાહકો
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ એ દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથોમાંના એક અદાણી જૂથની ટ્રાન્સમિશન અને વિતરણ બિઝનેસની શાખા છે. કંપની મુંબઈના આશરે 30 લાખ ગ્રાહકોના વિતરણ બિઝનેસનું સંચાલન કરે છે. આગામી વર્ષે દેશની વીજ જરૂરિયાત ચાર ગણી થશે, ત્યારે ATL મજબૂત અને વિશ્વાસપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક પૂરું પાડવા માટે તથા રિટેલ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા માટે સંપૂર્ણ સજ્જ છે.