‘અમે ચાઈનીઝ નથી, ભારતમાં વધારે ઈન્વેસ્ટ કરીશું’: ઝૂમ

નવી દિલ્હીઃ ભારતભરમાં ઝૂમ એક ચીની કંપની હોવાની ભ્રમણા છે, જેથી હાલ એ વિરોધનો સામનો કરી રહી છે, ખાસ કરીને સોશિયલ મિડિયામાં. પરંતુ ઝૂમ યુએસસ્થિત વિડિયો મીટ પ્લેટફોર્મ ધરાવતી કંપની છે, જે એની સ્પષ્ટ ઓળખ ધરાવે છે. કંપની દેશમાં આગામી પાંચ વર્ષમાં નોંધપાત્ર મૂડીરોકાણ કરવાની અને સ્થાનિક પ્રતિભા ધરાવતા લોકોને નોકરી પર રાખવાની યોજના ધરાવે છે. કંપનીના એન્જિનિયરિંગ અને પ્રોડક્ટસના પ્રેસિડેન્ટ શંકરલિંગમે કહ્યું હતું કે ઝૂમ માટે ભારત એક મહત્ત્વનું બજાર છે અને રહેશે.

અમે ભારતીય બજારમાં પ્રવેશવાનું સતત ચાલુ રાખીશું, જોકે ઝૂમ વિશે પ્રારંભમાં લોકોમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે. પરંતુ અમે એના પર કામ કરી રહ્યા છીએ, એમ શંકરલિંગમે કહ્યું છે.

અગ્રણી સોફ્ટવેર કંપની VMware કંપનીમાંથી શંકરલિંગમ હજી ગયા મે મહિનામાં જ ઝૂમ કંપનીમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે ઝૂમ અને ચીન વિશે કેટલીક ગેરસમજ ફેલાઈ હતી, જેથી હું નિરાશ થયો છું. શંકરલિંગમે VMwareમાં નવ વર્ષથી વધુ કામ કર્યું હતું.

ઝૂમ એક અમેરિકન લિસ્ટેડ કંપની

ઝૂમ કંપનીની ઓળખ સ્પષ્ટ કરતાં શંકરલિંગમે કહ્યું કે ઝૂમ એક અમેરિકન કંપની છે, જે નેસ્ડેક પર લિસ્ટેડ છે. કંપનીની સ્થાપના કેલિફોર્નિયાના સેન જોસમાં થઈ હતી. કંપની વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ જેવી ટેક્નિકલ કંપની છે. ઝૂમ ચીનમાં એની ઓફિસ ધરાવે છે, જેનું સંચાલન અમેરિકી પિતૃકંપનીની પેટા કંપનીઓ થકી કરવામાં આવે છે.

વપરાશકર્તાના ડેટાની સુરક્ષા અને પ્રાઇવસી મુદ્દે ગેરસમજ

લોકપ્રિય વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમ ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ગયા મહિને વપરાશકર્તાના ડેટાની સુરક્ષા અને પ્રાઇવસી સુરક્ષિત ન હોવાના અને આ ચાઈનીઝ કંપની હોવાના અહેવાલ વહેતા થયા બાદ ઝૂમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

ભારતે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ઝૂમ પણ નિશાના પર

ભારત-ચીનની લદ્દાખ સરહદે ટેન્શન સર્જાતાં ભારતે સુરક્ષાનાં કારણોસર 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ઝૂમને (ચાઇનીઝ સમજીને) પણ લક્ષ્ય બનાવવામાં આવી હતી.

શંકરલિંગમના જણાવ્યા મુજબ તેઓ ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ્સ ઇન્ડિયાને ટેકો આપવા સાથે પ્રાથમિકતા આપવના માટે કંપનીના સ્ટેકહોલ્ડરો સાથે જોડાવાની આશા રાખી રહ્યા છે. અમે અહીં કંપનીનું વિસ્તરણ કરવા માટે અને વધુ ને વધુ પ્રતિભાશાળી લોકોને કંપની સાથે જોડવા માગીએ છીએ.

ઝૂમની મુંબઈમાં ઓફિસ

ઝૂમની દેશમાં હાજરી છે અને કંપની મુંબઈમાં ઓફિસ ધરાવે છે. આ સાથે કંપની એક મુંબઈમાં અને બીજું હૈદરાબાદમાં ડેટા સેન્ટર્સ ધરાવે છે. કંપનીના ત્રણ સિનિયર એક્ઝિક્યુટિવ ભારતીય વંશના છે, જેમાં CEO અપર્ણા બાવા, COO સુનીલ માદન અને કંપનીના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર શંકરલિંગમ છે.

ભારતમાં રોકાણ કરવું એ શાણપણ

VMware સહિતની વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ ભારતમાં પ્રાદેશિક કાર્યરત સેન્ટર સ્થાપીને ભારતમાં મૂડીરોકાણ કરવાની શક્યતા ચકાસી રહી છે. અમે ભારતની 130 કરોડ લોકો સુધી અમારી સેવા વિસ્તૃત કરવા માગીએ છીએ, એમ શંકરલિંગમે કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]